અપડેટ@વર્લ્ડ: પાકિસ્તાનમાં ખામેનીના મોત મામલે હિંસક પ્રદર્શન, ગોળીબારમાં 7 લોકોના મોત, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામેના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાનિક ઓફિસમાં આગ લગાવી દીધી, જેમાં ગિલગિટમાં યુનાઈટેડ નેશંસ ડેવલપમેન્ટ પ્રોગ્રામની એફિસ પણ સામેલ છે.
આ દરમિયાન, સ્કાર્દુમાં એસપીની ઓફિસ અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી હતી. ગોળીબારમાં 7 લોકો માર્યા ગયા હતા અને 12થી વધુ ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ગિલગિટ અને સ્કાર્દુમાં સિક્યોરિટી હાઈ એલર્ટ પર છે.
પાકિસ્તાનના કરાચીમાં આવેલા યુએસ એમ્બેસીમાં ખામેનીના મોતના વિરોધમાં રવિવારે હિસા ફાટી નીકળી હતી. કોન્સ્યુલેટમાં ઘૂસેલા પ્રદર્શનકારીઓ પર એમ્બેસીની અંદરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 23 લોકો માર્યા ગયા છે અને 10થી વધુ ઘાયલ થયા છે. આ પ્રદર્શન ઇમામિયા વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારતમાં, શિયા સમુદાય પણ ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં આજે કર્ફ્યુની સ્થિતિ છે, ઇન્ટરનેટ ડાઉન છે. શ્રીનગરના લાલ ચોક પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યા છે. ખામેનીની હત્યાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો વચ્ચે, કાશ્મીર ઘાટીની તમામ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ આજથી બે દિવસ માટે બંધ રહેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જનતાને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. શોપિયા, બારામુલ્લામાં લોકોએ બજારો બંધ રાખ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ખામેનીના મોત સામે શિયા સમુદાયનો વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો. બેમિના વિસ્તારમાં ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન કર્ણાટકના 100 લોકો દુબઈ અને બહેરીનમાં ફસાયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સેંકડો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે.
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં સુરક્ષાને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને રવિવારે રાત્રે 9.30 વાગે સુરક્ષા સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં શાહ, રાજનાથ, CDS ચૌહાણ નાણામંત્રી પણ હાજર રહ્યા હતા.
મીટિંગમાં વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયો અને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો તેનો કેવી રીતે સામનો કરવો, તેના પર ચર્ચા થઈ. હાલમાં, વેસ્ટ એશિયાનું એરસ્પેસ લગભગ બંધ છે. પીએમએ X પોસ્ટમાં જણાવ્યું કે તેમણે UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી.
પીએમએ લખ્યું- ‘ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે ઊભું છે. ત્યાં રહેતા ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ.’ તેમણે UAE પર થયેલા હુમલાઓની નિંદા કરી.
ઇરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે. જ્યારે 40,000 થી વધુ ઇઝરાયેલમાં રહે છે. ગલ્ફ અને વેસ્ટ એશિયામાં લગભગ 90 લાખ ભારતીયો છે.
PMએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે હાલની સ્થિતિ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને ભાર મૂક્યો હતો કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પર ભાર મુકે છે.
ખરેખર, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ થયું છે. દેશ-દુનિયાભરમાં આને લઈને પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતમાં પણ શ્રીનગર, લખનઉ, સંભલ, પટના સહિત 15થી વધુ શહેરોમાં પ્રદર્શનની તસવીરો સામે આવી.

