અપડેટ@વર્લ્ડ: 150 ઈરાની વિદ્યાર્થિનીઓનાં મોતની તપાસની માગ, અમેરિકાએ મિસાઈલ હુમલો કર્યાનો ઈરાનનો આરોપ, જાણો વધુ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે અમેરિકી સેના જાણી જોઈને કોઈ શાળાને નિશાન બનાવતી નથી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કરાણે મોટું નુકશાન પહોંચ્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. UNના માનવાધિકાર કાર્યાલયે ઇરાનમાં એક છોકરીઓની શાળા પર થયેલા હુમલાની તપાસ કરાવવાની માગ કરી છે. આ હુમલામાં 150 વિદ્યાર્થીનીઓનાં મોત થયાં હતાં. જોકે, એવું જણાવવામાં આવ્યું નથી કે તેના મતે આ હુમલા માટે કોણ જવાબદાર છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે કહ્યું છે કે આ મામલાની ઝડપી, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જિનીવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું કે જે પક્ષે હુમલો કર્યો છે, તેની જ જવાબદારી છે કે તે તેની તપાસ કરે અને સત્ય બહાર લાવે.

તેમણે આ ઘટનાને ખૂબ જ ભયાનક ગણાવી અને કહ્યું કે સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે, તે આ સંઘર્ષની તબાહી અને પીડા દર્શાવે છે. આ શાળા દક્ષિણ ઇરાનમાં છે અને તેના પર શનિવારે હુમલો થયો હતો. તે જ દિવસે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું છે કે અમેરિકી સેના જાણી જોઈને કોઈ શાળાને નિશાન બનાવતી નથી. જ્યારે ઇઝરાયલે કહ્યું છે કે તે આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.

યુદ્ધમાં અમેરિકાના દાવા...

ઈરાનના 17 જહાજો તબાહ કરી દેવામાં આવ્યા, જેમાં એક સબમરીન પણ સામેલ છે.

આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો સામેલ છે.

લગભગ 200 ફાઈટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર અને બોમ્બ ફેંકનારા વિમાનો સામેલ છે.

ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો અને ડ્રોનને ભારે નુકસાન થયું છે.

અમેરિકાએ આ યુદ્ધને એપિક ફ્યુરી નામ આપ્યું છે.