અપડેટ@વર્લ્ડ: સાઉદી અરેબિયાના એરપોર્ટ-તેલના ઠેકાણા પર હૂતી બળવાખોરોનો હુમલો, 3ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાઉદી અરેબિયામાં બુધવારે મોડી રાત્રે એક એરપોર્ટ અને એક તેલ ડેપો પર થયેલા હુમલાઓમાં એક ભારતીય સહિત 3 લોકોનાં મોત થયાં. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. તેમાં 3 ભારતીયો પણ છે.
દમ્મામ શહેરના કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું. જ્યારે બે ભારતીયો સહિત 8 લોકો ઘાયલ થયા.
બીજી તરફ, અરામકોના તેલ ઠેકાણે ડ્રોન હુમલામાં નેપાળ અને ફિલિપાઇન્સના એક-એક નાગરિકનાં મોત થયાં. અહીં એક ભારતીય સહિત 2 લોકો ઘાયલ થયા.
આ મહિને હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર 6 મોટા હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયાં છે અને 370 લોકો ઘાયલ થયા છે.
સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકાએ પોતાના કેટલાક રાજદ્વારીઓ અને સરકારી કર્મચારીઓને પરિવાર સાથે સાઉદી અરેબિયા છોડવા કહ્યું છે.
સાઉદી અરેબિયાના સિવિલ એવિએશન ઓથોરિટીએ ગુરુવારે એરપોર્ટ પર થયેલા હુમલાની જાણકારી આપી. આ હુમલામાં એરપોર્ટને પણ નુકસાન થયું છે.
દમ્મામ ફારસની ખાડીના કિનારે આવેલું છે. તે બહેરીન અને કતરની નજીક છે. વિશ્વભરની ફ્લાઇટ્સ પર નજર રાખતી વેબસાઇટ ફ્લાઇટરડાર24એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે હુમલા બાદ વિમાનોને અન્ય માર્ગો પરથી મોકલવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના સૈન્ય ગઠબંધને જણાવ્યું કે તેણે દેશના પૂર્વ વિસ્તારમાં ડ્રોનના ચાર હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.
સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર હુમલા બાદ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા.

