અપડેટ@વર્લ્ડ: સાઉદી અરેબિયામાં અમેરિકાના દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો, જાણો વધુ વિગતે

દરમિયાન ઈરાનથી આવેલા બે ડ્રોને સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો.
 
અપડેટ@વર્લ્ડ: સાઉદી અરેબિયામાં અમેરિકાના દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનથી આવેલા બે ડ્રોને સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઈસ્ટમાંથી વહેલી તકે નીકળી જવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે.

તેમણે સોમવારે વ્હાઇટ હાઉસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે ઈરાન સાથે જંગ 4-5 અઠવાડિયા ચાલી શકે છે, પરંતુ જરૂર પડ્યે તેનાથી વધુ સમય સુધી પણ અભિયાન ચાલુ રહેશે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકી સેના અત્યારે ઈરાનમાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરી રહી છે. અમેરિકા પાસે દુનિયાની સૌથી મોટી સેના છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોત પછીના ૨ દિવસ બાદ તેમના પત્ની મન્સૂરેહ ખોઝસ્તેહ બઘેરઝાદેહનું પણ નિધન થઈ ગયું છે.

મન્સૂરેહ બે દિવસ પહેલા અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઘાયલ થયા હતા. આ જ હુમલામાં ખામેનેઈ માર્યા ગયા હતા. ઈરાનની સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે મન્સૂરેહે સોમવારે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મન્સૂરેહે 1964માં અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ખામેની એક યુવા ધર્મગુરુ તરીકે સક્રિય હતા. 1947માં મશહદમાં જન્મેલા મન્સૂરેહ એક ધાર્મિક પરિવારમાંથી આવે છે. તેમના પિતા આયતુલ્લા મોહમ્મદ બઘેર ખોઝસ્તેહ મશહદના પ્રતિષ્ઠિત ધર્મગુરુ હતા.ઈરાને સોમવારે મિડલ-ઈસ્ટના 4 દેશોમાં 6 અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. કુવૈતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ ક્રેશ થયા છે. જેટ હવામાં ગોળ-ગોળ ફર્યા બાદ થોડી જ વારમાં જમીન સાથે અથડાયા હતા. જોકે, આમાં કોઈનું મોત થયું નથી.

બીજી તરફ, ઈરાનના ટોપ નેશનલ સિક્યોરિટી અધિકારી અલી લારીજાનીએ સોમવારે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે કોઈ વાતચીત કરશે નહીં. આ નિવેદન એવા અહેવાલોના જવાબમાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાને અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.