અપડેટ@વર્લ્ડ: ઇઝરાયલે ઇરાનના 500 વર્ષ જૂના ગોલિસ્ટાન પેલેસ પર હુમલો કર્યો
હુમલામાં તેનો અમુક ભાગ નુકસાન પામ્યો હતો
Mar 3, 2026, 11:09 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનના 500 વર્ષ જૂના ગોલિસ્ટાન પેલેસ પર હુમલો કર્યો છે. હુમલામાં તેનો અમુક ભાગ નુકસાન પામ્યો હતો, પરંતુ ત્યાં રાખવામાં આવેલી કિંમતી અને ઐતિહાસિક વસ્તુઓને પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવી હતી, તેથી તે બચી ગઈ.
આ માહિતી ઈરાની ન્યૂઝ એજન્સી મેહર દ્વારા આપવામાં આવી છે. ગોલિસ્તન પેલેસ 16મી સદીમાં સફવીદ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ મહેલ લાંબા સમય સુધી ઈરાનના રાજાઓનું ઘર અને સત્તાનું મુખ્ય કેન્દ્ર રહ્યું. આજે તે એક મોટું પર્યટન સ્થળ છે અને વર્ષ 2013માં તેને યુનેસ્કોની વિશ્વ વારસો યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઈસ્ટમાંથી જલદીથી જલદી નીકળી જવાનું કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે. તેમણે સોમવારે વ્હાઇટ હાઉસમાં આપેલા નિવેદનમાં કહ્યું કે ઈરાન સાથે યુદ્ધ 4-5 અઠવાડિયા ચાલી શકે છે, પરંતુ જરૂર પડ્યે તેનાથી વધુ સમય સુધી પણ અભિયાન ચાલુ રહેશે.
ઈરાની સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પછી પાકિસ્તાનના કરાચીમાં કેટલાક લોકોએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો.

