અપડેટ@વર્લ્ડ: ટ્રમ્પે ઈરાન યુદ્ધ વચ્ચે પુતિન સાથે વાત કરી, કહ્યું- રશિયા યુદ્ધ ખતમ કરવામાં મદદ કરવા ઇચ્છે છે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 11મો દિવસ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. ટ્રમ્પના મતે આ વાતચીતમાં ઇરાન યુદ્ધ અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા થઈ.
ટ્રમ્પે જણાવ્યું કે પુતિને કહ્યું છે કે રશિયા, ઈરાન યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ કરવા માગે છે. જોકે ટ્રમ્પે તેમને કહ્યું કે જો તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ કરે તો તે વધુ સારું રહેશે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન સામે ચાલી રહેલી કાર્યવાહીમાં અમેરિકાએ 51 ઈરાની જહાજો ડુબાડી દીધા છે અને હજારો સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
ફ્લોરિડાના ડોરલ શહેરમાં પોતાના ગોલ્ફ ક્લબમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી આ તેમની અને પુતિનની પહેલી વાતચીત હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ વધેલો છે.

