ઉત્સવ@મથુરા: બાંકે બિહારી મંદિરને રંગ અને અબીલ લગાવવાની સાથે જ વ્રજની હોળીની શરૂઆત થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી મથુરાના વૃંદાવનમા હોળીના તહેવારનો પ્રારંભ થાય ગયો છે.મથુરાના વૃંદાવનમાં અનોખો નજારો જોવા મળ્યો. બાંકે બિહારી મંદિરજીને રંગ અને અબીલ લગાવવાની સાથે જ વ્રજની હોળીની શરૂઆત થઈ. મંદિર રંગબેરંગી ગુલાલમાં ડૂબેલું જોવા મળ્યું. સવારે પૂજારીઓએ પ્રસાદી ગુલાલ ભક્તો પર વરસાવ્યો. ફૂલ, જલેબી અને લાડુ લૂંટાવ્યા. એને મેળવવા માટે ભક્તોમાં પડાપડી થઈ ગઈ.
શરીર પર અબીલ પડતાં જ ભક્તો ખુશીથી ઝૂમી ઊઠ્યા. બાંકે બિહારીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. અબીલથી તરબોળ ભક્તોએ બાંકે બિહારીનાં દર્શન કર્યાં. આશીર્વાદ લીધા. પછી બહાર આવીને હવામાં રંગ અને અબીલ ઉડાવ્યા. એકબીજાને ગુલાલ લગાવ્યો.
આ દરમિયાન વૃંદાવનની ગલીઓ ભક્તોથી ભરેલી રહી. ચારે તરફ અબીલ-ગુલાલ દેખાઈ રહ્યો છે. અબીલ ગુલાલથી રંગાયેલા ભક્તો ઢોલ-નગારાં પર ઝૂમી રહ્યા છે. 'આજ વ્રજમાં હોળી રે રસિયા' ગીત પર નાચી રહ્યા છે.
મોટી સંખ્યામાં ભક્તો વૃંદાવનની પંચકોસી પરિક્રમા કરી રહ્યા છે. ઘણા ભક્તો લડ્ડુ ગોપાલને ખોળામાં લઈને આવ્યા છે. તેમની સાથે મહિલાઓ પણ છે. શ્રદ્ધાળુઓ રાધે-રાધે બોલતાં ગુલાલ ઉડાવતા ચાલી રહ્યા છે.
થોડીવાર પછી રાધા વલ્લભ મંદિરથી ભગવાન રાધા કૃષ્ણનો ડોલો નીકળશે. બગી પર સવાર થઈને ભગવાન રાધા કૃષ્ણનાં સ્વરૂપો શહેરમાં ઠેર ઠેર હોળી રમશે. એવું માનવામાં આવે છે કે લગભગ 10 લાખ ભક્તો વૃંદાવન પહોંચશે. આ પહેલાં ગુરુવારે નંદગાંવ અને બુધવારે બરસાનામાં લઠ્ઠમાર હોળી રમવામાં આવી હતી.

