બ્રેકિંગ@દેશ: મણિપુરમાં ફરી હિંસા, ચુરાચંદપુરમાં સ્થિતિ વણસી, ટીયર ગેસના સેલ છોડાયા

 
Manipur

અટલ સમાચાર, ડેસ્ક

મણિપુરનો મુદ્દો ઘણા સમયથી ગરમ છે, એક તરફ આ મુદ્દે સંસદમાં હંગામો ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજ્યમાં હજુ પણ હિંસા ચાલી રહી છે. ગુરૂવારે ફરી એકવાર ચુરાચંદપુર અને વિષ્ણુપુરા વિસ્તારમાં તણાવ જોવા મળ્યો હતો. સરહદી વિસ્તારમાં મૈતઈ અને કુકી સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

ઉત્તર-પૂર્વના આ રાજ્યમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. મણિપુરમાં મૈતઈ અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલ સંઘર્ષ 3 મેના રોજ હિંસામાં ફેરવાઈ ગયો હતો. ત્યારથી રાજ્યમાં સ્થિતિ બગડી છે અને અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અનામતને લઈને મૈતઈ-કુકી સમુદાય વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 3 મેના રોજ આ વિવાદે હિંસાનું સ્વરૂપ લીધું અને ત્યારથી અત્યાર સુધી રાજ્યના વિવિધ વિસ્તારો હિંસાની આગમાં લપેટાયેલા છે. મણિપુરમાં લગભગ 3 મહિનાથી ઈન્ટરનેટ બંધ છે. અંદાજે 170 લોકોના મોત થયા છે અને હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. હિંસાને કારણે રાજ્યમાં કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. 

મણિપુરના મુદ્દે સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી હોબાળો ચાલી રહ્યો છે. સંસદના બંને ગૃહોમાં વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી છે અને આ અંગે સતત હોબાળો ચાલી રહ્યો છે. સરકારે ગૃહમંત્રીના નિવેદન અંગે વાત કરી હતી, ત્યારબાદ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે અને હવે 8 ઓગસ્ટે ચર્ચા શરૂ થશે, જેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે જવાબ આપશે.