હવામાન@દેશ: આજથી રાજસ્થાનમાં આગામી 3 દિવસ કોલ્ડવેવનું એલર્ટ, ભોપાલ અને ઇન્દોરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે રહ્યું.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે. જેના કારણે મેદાનીય વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. મધ્ય પ્રદેશમાં આવતીકાલથી તાપમાન વધુ ઘટી શકે છે. ઇન્દોર, ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગરમાં તેની અસર સૌથી વધુ રહેશે અને ઠંડી વધશે. આ પહેલા મંગળવારે ભોપાલ અને ઇન્દોરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી નીચે રહ્યું.
રાજસ્થાનમાં આજથી આગામી 3 દિવસ કોલ્ડવેવનું એલર્ટ છે. ચુરુ, ઝુંઝુનુ અને સીકરમાં કોલ્ડવેવનું યલો એલર્ટ રહેશે. મંગળવારે સૌથી ઓછું તાપમાન બીકાનેર નજીક લૂણકરણસરમાં 4.7 ડિગ્રી નોંધાયું હતું.
આ તરફ હિમાચલમાં કડકડતી ઠંડી પડવા લાગી છે. રાજ્યના 24 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. લાહૌલ સ્પીતિના તાબોમાં ગઈ રાત્રે આ સિઝનની સૌથી ઠંડી નોંધાઈ હતી. અહીંનું તાપમાન માઈનસ 8 ડિગ્રી રહ્યું.
બીજી તરફ બિહારમાં પટના, ગોપાલગંજ, બેતિયા અને સમસ્તીપુર સહિત 8 જિલ્લામાં ધુમ્મસ છવાયેલું છે. બેગુસરાયમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. ઓછી વિઝિબિલિટીના કારણે 11 ફ્લાઇટ મોડી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

