વાતાવરણ@દેશ: હવામાન વિભાગે મધ્ય પ્રદેશમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું, 17 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું

ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગર સંભાગમાં કોલ્ડવેવની અસર સૌથી વધુ છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં રવિવારે લઘુત્તમ તાપમાન 3થી 7 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. મધ્ય પ્રદેશમાં ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે.

હવામાન વિભાગે સોમવારે મધ્ય પ્રદેશમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલમાં છેલ્લા 3 દિવસથી કોલ્ડવેવ ચાલી રહ્યું છે. રવિવારે પારો 7 ડિગ્રી સુધી ગગડી ગયો. 17 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું. ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગર સંભાગમાં કોલ્ડવેવની અસર સૌથી વધુ છે.

રાજસ્થાનમાં કડકડતી ઠંડી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. આના કારણે જોધપુર, જેસલમેર સહિત કેટલાક જિલ્લાઓમાં વાદળો છવાયેલા રહ્યા. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો, જેનાથી લોકોને હાલ કોલ્ડવેવથી રાહત મળી છે.

જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. રવિવારે અમરનાથ યાત્રા બેઝ કેમ્પ જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઠંડી જગ્યા રહી. અહીં તાપમાન માઈનસ 4.3 ડિગ્રી નોંધાયું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.9 ડિગ્રી નોંધાયું.

જમ્મુ-કાશ્મીરમાં આજે હિમવર્ષાની શક્યતા છે. ઉત્તરાખંડના 3 જિલ્લામાં પણ વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેદારનાથમાં રવિવારે તાપમાન માઈનસ 17 ડિગ્રી અને બદ્રીનાથમાં માઈનસ 14 ડિગ્રી નોંધાયું.