હવામાન@દેશ: રાજસ્થાન-MPના 37 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોધાયું, માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રીએ પહોંચી ગયો

યુપી અને બિહારમાં ગાઢ ધુમ્મસની અસર વધી રહી છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડી ઠંડી પડી રહી છે. રાજસ્થાનમાં ઠંડી વચ્ચે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયો છે. બીકાનેર, ચુરુ, શ્રીગંગાનગર, હનુમાનગઢ સહિતના ઘણા વિસ્તારોમાં વાદળો છવાયા છે. જેના કારણે ઠંડી હવાઓ નબળી પડી છે. રાજ્યના 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રીએ પહોંચી ગયો.

મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યના 19 શહેરોમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ઇન્દોરમાં 5.2 ડિગ્રી તાપમાન રહ્યું. આટલું જ તાપમાન પ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન અને સૌથી ઠંડી જગ્યા ગણાતા પચમઢીમાં પણ નોંધાયું હતું.

યુપી અને બિહારમાં ગાઢ ધુમ્મસની અસર વધી રહી છે. યુપીના લખનઉ, ગોરખપુર સહિત 30 જિલ્લાઓમાં રસ્તાઓ પર 10 મીટર દૂર કંઈ પણ દેખાતું નથી. શનિવારે સવારે સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા. જેના કારણે એક મહિલા ઘાયલ થઈ.

પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આશંકા છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં રવિવારે વરસાદ સાથે હળવી હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં હિમવર્ષાની સંભાવના છે.