વાતાવરણ@દેશ: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા, 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. બર્ફિલા વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં શિયાળાની અસર વધી રહી છે. આ ઉપરાંત દેશના 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.
દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટીના કારણે બુધવારે સવારે 26 ટ્રેનો મોડી પડી હતી. તેમજ, ઘણી ફ્લાઇટ્સ પણ તેમના નિર્ધારિત સમય પર ઉપડી શકી ન હતી. મંગળવારે પણ અહીં 39 ટ્રેનો મોડી પડી હતી.
ઉત્તર પ્રદેશના 45 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અયોધ્યામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે આજે યુપી અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં કરા પડી શકે છે. બીજી તરફ હિમાચલમાં હિમવર્ષાને કારણે 3 શહેરોમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે. કલ્પામાં માઈનસ 1 ડિગ્રી, કેલોંગમાં માઈનસ 10.3 ડિગ્રી અને કુકુમાસેરીમાં માઈનસ 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.