હવામાન@દેશ: 18 થી 20 ડિસેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં સારી હિમવર્ષા થવાની સંભાવના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. આગામી સપ્તાહથી દેશભરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ શિયાળાનો પહેલો મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ડિસેમ્બરે હિમાલયના રાજ્યોમાં પહોંચશે. તેની અસરથી 18 થી 20 ડિસેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં સારી હિમવર્ષા થવાની સંભાવના છે.
21 અને 22 ડિસેમ્બરે પહાડો પરથી વાદળો હટતા જ તાપમાન ઝડપથી ઘટશે. તાપમાન સામાન્ય કરતાં 5 થી 6 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતી ઠંડી હવાઓ યુપી, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય ભારત સુધી પહોંચશે. આનાથી મેદાની વિસ્તારોમાં ઠંડી ઘણી વધી જશે.
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની અસર ઓછી થઈ ગઈ છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં પણ આગામી 3 દિવસ સુધી શીતલહેરનું એલર્ટ નથી. જોકે, પારો સતત ગગડી રહ્યો છે. શહડોલનું કલ્યાણપુર સૌથી ઠંડું છે. અહીં શનિવારે રાત્રે પારો 4.7 ડિગ્રી રહ્યો.
બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઠંડી વધી ગઈ છે. આજે પહાડો પર બરફવર્ષાનો અંદાજ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢમાં વરસાદ-બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પારો 2-3°C વધુ ઘટી શકે છે.

