હવામાન@દેશ: પહાડોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડી વધી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 8, ઉત્તર પ્રદેશના 2 અને છત્તીસગઢના 2 શહેરમાં પારો 10°થી નીચે નોંધાયો હતો.
કાશ્મીરના મારવાહ, કિશ્તવાડ અને બદવાનમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર, હિમાચલના કિન્નૌર, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં આગામી 24 કલાકમાં હિમવર્ષા થઈ શકે છે. શ્રીનગરમાં પારો ઘટવાને કારણે દલ સરોવર પર ધુમ્મસ જોવા મળ્યું હતું.
આ તરફ, 32 દિવસ પછી, રવિવારે દિલ્હીનો AQI 300 અંદર આવ્યો. સેન્ટ્રલ એન્વાયરમેન્ટ કંટ્રોલ બોર્ડ અનુસાર, AQI 285 નોંધાયો હતો. પરંતુ દિલ્હીમાં એર કેટેગરી હજુ પણ 'ખરાબ' છે.
દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસરને કારણે આજે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું શનિવારે સાંજે ટકરાયું હતું, જેના પગલે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોના મોત થયા છે.