હવામાન@દેશ: રાજસ્થાનના જયપુરમાં ધૂળભરી આંધી સાથે વરસાદ પડ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં હવામાન પલટાયું છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં મંગળવારથી ભારે પવન સાથે વરસાદનો દોર શરૂ થવાનો છે. રાજસ્થાનના જયપુરમાં આજે સવારે ધૂળભરી આંધી સાથે વરસાદ પડ્યો.
મધ્યપ્રદેશમાં ભોપાલ, ગ્વાલિયર સહિત 28 જિલ્લામાં આજે અને કાલે વરસાદનું એલર્ટ છે. ઘણા શહેરોમાં રાતનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. યુપીના 14 જિલ્લામાં વરસાદ સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. 50 જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.
આ તરફ, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી સ્થિતિ બગડી છે. ઘણા નેશનલ હાઈવે પર બરફ જામી ગયો છે. જેના કારણે સેંકડો પર્યટકો ફસાયા છે. હવામાન વિભાગે આજે પણ કુલ્લુ, કિન્નૌર, ચંબા, લાહૌલ-સ્પીતિ અને સિમલામાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે.
કાશ્મીરમાં મોટાભાગની જગ્યાઓએ આજે વરસાદ કે બરફવર્ષાની સંભાવના છે. બરફથી ઢંકાયેલા ઊંચા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર જવાનું ટાળવાની ચેતવણી આપવામાં આવી છે. શ્રીનગરમાં સોમવારે રાત્રે લઘુત્તમ તાપમાન -0.1 ડિગ્રી નોંધાયું હતું. ગુલમર્ગ ખીણ સૌથી ઠંડી જગ્યા રહી, જ્યાં તાપમાન -9.0 ડિગ્રી નોંધાયું હતું.

