હવામાન@દેશ: ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ, તાપમાન 45°C ને પાર, મહારાષ્ટ્રમાં 7 લોકના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને બંગાળનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ દિવસથી તાપમાન સતત 40°C થી 45°C ની વચ્ચે રહ્યું છે.
તીવ્ર ગરમી જનજીવનને અસર કરવા લાગી છે. ઉદયપુર અને જયપુર સહિત રાજસ્થાનના પર્યટન સ્થળોમાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલની મુલાકાત લેનારા છ પ્રવાસીઓ બીમાર પડ્યા હતા.
મહારાષ્ટ્રના વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. સ્થિતિ એવી છે કે અહીં 7 લોકોના મોત થયા છે અને 31 લોકો બીમાર છે. હીટસ્ટ્રોકને તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રશાસને હીટ એક્શન પ્લાન લાગુ કરી દીધો છે.
આ અઠવાડિયે દિલ્હીમાં તાપમાન 45°C થી વધુ થઈ શકે છે. પરિણામે દિલ્હીની શાળાઓને દર 45થી 60 મિનિટે ઘંટડી વગાડવાની સૂચના આપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી પીવાનું યાદ અપાવી શકાય.

