હવામાન@દેશ: MP-છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો કયા વિસ્તારમાં આગાહી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં 3 પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ધુમ્મસની અસર છે. મેદાની રાજ્યોમાં દિવસનું તાપમાન 34નો આંકડો પાર કરી ગયું છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે.
રાજસ્થાનના બાડમેર, ઝારખંડના સરાયકેલા અને ચાઈબાસામાં ફેબ્રુઆરીમાં જ પારો 34 ડિગ્રીનો આંકડો પાર કરી ગયો છે. આ તરફ, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલા લો પ્રેશર એરિયાને કારણે 23 ફેબ્રુઆરીએ 10 રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
નોર્થ ઈસ્ટમાં સિક્કિમમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ. આને કારણે રાજ્યના શેરેથાંગ વિસ્તારમાં જવાહરલાલ નેહરુ રોડ પર સિપ્સુ અને 16મી માઈલ વચ્ચે ત્સાંગુ પાસે લગભગ 350 પ્રવાસી વાહનો ફસાયેલા છે.
બાળકો સહિત લગભગ 46 પ્રવાસીઓને થોડા સમય માટે રહેવા અને સુરક્ષા માટે 17મી માઈલ પર આર્મી ટ્રાન્ઝિટ કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા છે. સેનાએ સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારમાં વાહનોની અવરજવર રોકી દીધી છે.
હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, વિદર્ભ, બંગાળ, કેરળ, તમિલનાડુ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

