હવામાન@દેશ: આજે 25 રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથે દીવમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. જોકે, 6 જૂન પછી ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું થઈ જશે, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.

