હવામાન@દેશ: હિમાચલમાં હિમવર્ષાનો કહેર, મનાલી જતા લોકો 8-10 કિમી લાંબા ટ્રાફિકમાં ફસાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી સહિત અનેક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બરફથી ઢંકાયેલા પહાડો અને વૃક્ષોનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ નજારો ત્યારે મુશ્કેલીમાં ફેરવાઈ ગયો જ્યારે અહીં ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ. પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી જવા માટે કેટલાય કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. કેટલાક લોકો માટે આ રાહ જોવી ખૂબ લાંબી થઈ ગઈ છે, કારણ કે ઘણા લોકો 24 કલાકથી વધુ સમયથી જામમાં ફસાયેલા છે.
લાંબા સમય સુધી સૂકા હવામાન બાદ ગયા અઠવાડિયે થયેલી હિમવર્ષાએ હિમાચલને 'વિન્ટર વન્ડરલેન્ડ'માં ફેરવી દીધું છે. હિમવર્ષા અને ઘટતા તાપમાને ટૂરિઝમ સેક્ટર માટે આશા જગાવી છે, પરંતુ હિમવર્ષા રાહતની સાથે સાથે આફત પણ લઈને આવી છે. લાંબા વીકેન્ડના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ અને અંતે લાંબો જામ સર્જાયો.
દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢ જેવા શહેરોથી લોકો પહાડો પર આવી રહ્યા છે, પરંતુ બંધ રસ્તાઓ અને સંપૂર્ણ રીતે બુક થઈ ગયેલી હોટલોને કારણે તેમને ખરાબ અનુભવ થઈ રહ્યો છે. ભારે હિમવર્ષાએ મનાલીમાં જનજીવન થંભાવી દીધું છે, જેના કારણે સેંકડો પ્રવાસીઓ ઠંડીમાં ફસાયા છે. રસ્તાઓ પર બે ફૂટ સુધી બરફ જામી ગયો છે, જેના કારણે મુખ્ય હાઈવે પર અવરજવર બંધ થઈ ગઈ છે.
મનાલી જતો નેશનલ હાઈવે લગભગ 8 થી 10 કિલોમીટર સુધી બંધ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓને પોતાની ગાડીઓ છોડીને બરફમાં લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડી રહ્યું છે.
મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલી વધારી છે. એક પ્રવાસીએ જણાવ્યું કે, 'અમે ગઈકાલ સાંજથી જ અહીં ફસાયેલા છીએ.' દિલ્હીના એક પ્રવાસીએ જણાવ્યું કે તેમના ગ્રુપને આખી રાત પોતાની કારમાં જ વિતાવવી પડી કારણ કે હોટલો ફૂલ હતી.

