હવામાન@દેશ: જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી ,દિલ્હીમાં 500 ફ્લાઇટ મોડી, 14 રદ

મધ્ય પ્રદેશમાં સોમવારે રાત્રે 25 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મધ્ય પ્રદેશમાં સોમવારે રાત્રે 25 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. પચમઢી સૌથી ઠંડું રહ્યું. અહીં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રીએ પહોંચી ગયું.

ઉત્તર પ્રદેશમાં 26 જિલ્લા સિમલા કરતાં વધુ ઠંડા રહ્યા. બારાબંકીમાં સોમવારે રાત્રે પારો 4.5°C નોંધાયો હતો. ઇટાવા, શાહજહાંપુર, કાનપુર અને બુલંદશહેરમાં 7 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું. 48 કલાકમાં ઠંડીથી 3 લોકોના મોત થયા છે. 9 શહેરોમાં 8મા ધોરણ સુધીની શાળાઓ આજે બંધ કરવામાં આવી છે.

ઉત્તરાખંડના નૈનીતાલમાં ગઈકાલે 6°C અને હિમાચલના સિમલામાં 11°C પારો નોંધાયો હતો. જમ્મુના પહાડી વિસ્તારોમાં બે દિવસથી હિમવર્ષાનો દોર ચાલુ છે. જેના કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે. ગુલમર્ગનું તાપમાન -2.0°C નોંધાયું હતું.

દિલ્હીમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી રહી. આના કારણે IGI એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઈટ્સ મોડી ઓપરેટ થઈ. સાથે જ 14 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી, જેમાં 6 આવનારી અને 8 જનારી ફ્લાઈટ્સનો સમાવેશ થતો હતો. આમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ હતી.