હવામાન@દેશ: MP-રાજસ્થાન, હરિયાણામાં ગાઢ ધુમ્મસ છવાયો, 15 ફ્લાઇટ્સ રદ, યુપી-ઝારખંડમાં ઠંડીથી 4ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસતારમાં કડકડતી ઠંડી પડી રહી છે. કાશ્મીર ખીણમાં 40 દિવસના ચિલ્લઈ કલાંની શરૂઆત રવિવારથી થઈ ગઈ છે. પહેલા જ દિવસે ગુલમર્ગ-સોનમર્ગમાં 1 ફૂટ સુધી હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક સુધી હિમવર્ષા ચાલુ રહી શકે છે.
કાશ્મીરને જોડતા બે રસ્તા મુઘલ રોડ અને સિન્થન ટોપ રોડ હિમવર્ષાના કારણે બંધ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 15 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા પછી બરફીલા પવનો મેદાનીય રાજ્યો સુધી પહોંચી રહ્યા છે. આના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં તાપમાન સતત ઘટી રહ્યું છે.
મધ્ય પ્રદેશના 16, યુપીના 40, રાજસ્થાનના 10, બિહારના 24, હરિયાણાના 12 અને ઉત્તરાખંડના 6 જિલ્લા ધુમ્મસની ઝપેટમાં છે. યુપી અને ઝારખંડમાં ઠંડીના કારણે 4 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ અને મનાલીની પર્વતમાળાઓ પર હિમવર્ષાથી તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. શિંકુલા, ઝાંસ્કર ઘાટી અને રોહતાંગ પાસ પર બરફનો નજારો જોવા લોકો પહોંચી રહ્યા છે.

