વાતાવરણ@દેશ: 20 રાજ્યોમાં વરસાદની શક્યતા, મધ્યપ્રદેશનાં હવામાનમાં પલટો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના 20 રાજ્યોમાં વરસાદની શક્યતા છે.આજે મધ્યપ્રદેશનાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દમોહ, સાગર, મંડલા, ડિંડોરી અને સિંગરૌલી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે પણ વરસાદનું એલર્ટ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક યથાવત્ રહેશે. આગામી 24 માર્ચના રોજ ઉત્તર ભારતના વિસ્તારોમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ટકરાશે, જેથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારાની શક્યતાઓ છે.
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાઈ રહ્યું છે. શુક્રવારે જયપુર, નાગૌર, બિકાનેર, જેસલમેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આજથી હવામાન ચોખ્ખું રહેશે.
હવામાન વિભાગે શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી 24 માર્ચે સવારે 8:30 વાગ્યાની વચ્ચે તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે.