હવામાન@દેશ: ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાનું એલર્ટ, રાજસ્થાનના 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ ઘણા રાજ્યોમાં ઠંડી વધારી દીધી છે. રાજસ્થાનના 18 શહેરોમાં શુક્રવારે તાપમાન 10 ડિગ્રીથી નીચે આવી ગયું. 7 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. ફતેહપુર 1.9 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું. લૂણકરણસરમાં 3.2, સીકરમાં 3 અને નાગૌરમાં 3.1 પારો નોંધાયો.
મધ્ય પ્રદેશના 19 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. પચમઢીમાં પારો સૌથી ઓછો 5.8 ડિગ્રી નોંધાયો. હવામાન વિભાગ અનુસાર, પહાડોમાંથી ઠંડી હવાઓ આવવાને કારણે 7 અને 8 ડિસેમ્બરે ઠંડીની અસર વધુ વધશે. આ તરફ, IMD એ ઉત્તરાખંડમાં રવિવારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. આનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન પહેલાથી જ શૂન્યથી નીચે પહોંચી ગયું છે. કેદારનાથમાં શુક્રવારે -14 અને બદ્રીનાથમાં -11 ડિગ્રી તાપમાન નોંધાયું.
હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. શુક્રવારે રાજ્યના તમામ શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે. 14 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી ઓછું રહ્યું. લાહૌલ સ્પીતિના તાબોમાં -8.3 ડિગ્રી અને કુકુમસૈરીમાં -5.2 ડિગ્રી તાપમાન નોંધાયું.

