હવામાન@દેશ: ફતેહપુર, ડુંગરપુર, લૂણકરણસર અને નાગૌરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા ગરમ કપડા પહેરી રહ્યા છે. રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. ફતેહપુર, ડુંગરપુર, લૂણકરણસર અને નાગૌરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નાગૌરમાં સૌથી ઓછું, 3.7 ડિગ્રી તાપમાન રહ્યું. ફતેહપુરમાં 3.8, લૂણકરણસરમાં 4.3, ડુંગરપુરમાં 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં ગુરુવારે સવારે ધુમ્મસનું ગાઢ પડ છવાયેલું રહ્યું. પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, અમેઠી, અયોધ્યા સહિત ઘણા જિલ્લાઓમાં વિઝિબિલિટી શૂન્ય અથવા મહત્તમ 10 મીટર રહી. રસ્તાઓ પર વાહનચાલકોને સામે કંઈ પણ દેખાતું ન હતું.
યુપીમાં ગાઢ ધુમ્મસના કારણે બુધવારે 7 ફ્લાઈટ્સ મોડી પડી. એક ફ્લાઇટ રદ કરવી પડી, જ્યારે બીજીને ડાયવર્ટ કરવી પડી. ઘણી ટ્રેનો કલાકો મોડી ચાલી. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 150થી વધુ માર્ગ અકસ્માતોમાં 150 વાહનોની ટક્કર થઈ. જેમાં 28 લોકોના મોત થયા છે.
અહીં, પહાડો પર પારો સતત માઈનસમાં નોંધાઈ રહ્યો છે. ઉત્તરાખંડના ચમોલીમાં 15 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા હેમકુંડ સાહિબમાં બુધવારે તાપમાન -20°C ડિગ્રી નોંધાયું. અહીં નવેમ્બર પછી હિમવર્ષા થઈ નથી. તેમ છતાં, ઠંડીના કારણે બુધવારે સરોવરનું પાણી સંપૂર્ણપણે થીજી ગયું.

