રિપોર્ટ@દેશ: રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતનું શું છે ગણિત ? દેશમાં 3 પક્ષોને ફાયદો થવાની સંભાવના

 
Rajaysabha

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં રાજ્યસભાની કુલ 245 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો પરના સભ્યોનો કાર્યકાળ પુરો થવાનો હોવાથી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઉપલા ગૃહનું ચિત્ર સંપૂર્ણ બદલાઈ શકે છે. BJPને કેટલીક બેઠકોનું નુકસાન તો કેટલીક બેઠકોનો લાભ પણ મળી શકે છે. 56 બેઠકોનું ગણિત જોઈએ તો ચૂંટણીમાં ભાજપની 6 બેઠકો વધી શકે છે, તો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની બેઠકોમાં પણ વધારો થવાની સંભાવના છે.

કયા રાજ્યોની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?

આંધ્રપ્રદેશ – 3, બિહાર – 6, છત્તિસગઢ – 1, ગુજરાત – 4, હરિયાણા – 1, હિમાચલપ્રદેશ – 1, કર્ણાટક – 4, મધ્યપ્રદેશ – 5, મહારાષ્ટ્ર – 6, તેલંગણા – 3, ઉત્તરપ્રદેશ – 10, ઉત્તરાખંડ – 1, પશ્ચિમ બંગાળ – 5, ઓડિશા – 3, રાજસ્થાન – 3. 

ભાજપના નેતૃત્વ હેઠળની NDAની બેઠકો વધવાની આશા છે, તો કોંગ્રેસને પણ લાભ થવાની સંભાવના છે. વર્તમાન સમયમાં રાજ્યસભામાં ભાજપના 93 અને સહયોગી પક્ષના 22 સભ્યો સહિત એનડીએના 115 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ 30 સભ્યો સાથે દેશમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. I.N.D.I.A. ગઠબંધનનાં કોંગ્રેસ સહિત કુલ 93 રાજ્યસભા સાંસદો છે. 56 બેઠકોની ચૂંટણી વાત કરીએ તો તાજેતરમાં ભાજપનો 28 બેઠકો પર જ્યારે કોંગ્રેસનો નવ બેઠકો પર કબજો છે. 

ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશમાં ભાજપની બેઠક ઘટી રહી છે, જોકે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં બેઠકો વધી શકે છે. ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠકોમાંથી ભાજપ પાસે નવ અને સપા પાસે એક બેઠક છે. 2022ની ચૂંટણી બાદ બદલાયેલા ચિત્રના આધારે આ વખતે યુપીમાં ભાજપને સાત બેઠકો મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ એકમાત્ર બેઠક ગુમાવી શકે છે. તાજેતરમાં જે.પી.નડ્ડા રાજ્સભાના સભ્ય છે. તેમણે સંસદમાં પરત ફરવા અન્ય રાજ્યોમાંથી ઉમેદવારી નોંધાવી પડશે. બિહારમાં ભાજપ અને જેડીયુના ગઠબંધનથી એનડીએને ફાયદો થશે. બિહારની ખાલી પડનારી 6 રાજ્યસભા બેઠકોમાંથી જેડીયુ-આરજેડી પાસે બે-બે, જ્યારે કોંગ્રેસ અને ભાજપ પાસે એક-એક બેઠક છે, જેના કારણે એનડીએને એક બેઠકોનો ફાયદો મળી શકે છે.

મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથવાળી NCP સત્તામાં આવ્યા બાદ એનસીપી-કોંગ્રેસ-શિવસેના પાસે એક-એક બેઠક છે. આ સ્થિતિમાં એનડીએની બેઠકો વધશે. ગુજરાતની ચાર બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ પાસે બે-બે બેઠકો છે. પરંતુ વર્તમાન વિધાનસભાના આંકડા મુજબ ભાજપ ચારેય બેઠકો પર કબજો કરી શકે છે. મહત્વનું છે કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા, અમીબેન યાજ્ઞિક, નારાયણ રાઠવા અને પરષોત્તમ રૂપાલાની ટર્મ પૂર્ણ થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને એક, મધ્યપ્રદેશની પાંચમાંથી ત્રણ-ચાર બેઠકો મળવાની શક્યતા છે. રાજસ્થાનમાં હાલ એક બેઠક ધરાવતું ભાજપ બે બેઠકો જીતી શકે છે. છત્તીસગઢની એક માત્ર બેઠક પણ ભાજપના ખાતામાં આવી શકે છે.

રાજ્યસભાની જે 56 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાં વર્તમાનમાં કોંગ્રેસ પાસે 9 બેઠકો છે. કોંગ્રેસને ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને બંગાળમાં નુકસાન થઈ શકે છે. કોંગ્રેસ ગુજરાત અને મધ્યપ્રદેશમાં બે-બે જ્યારે રાજસ્થાનમાં એક બેઠક ગુમાવી શકે છે. જ્યારે હિમાચલમાં એક અને તેલંગણામાં બે બેઠકો વધવાની સંભાવના છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં એક-એક બેઠકનું નુકસાન થશે. હિમાચલમાં ખાલી થનારી રાજ્યસભા બેઠક માટે કોંગ્રેસે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોકલવાની તૈયારી કરી છે. કર્ણાટકમાં ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાંથી કોંગ્રેસ ત્રણ બેઠકો જીતી શકે છે.

ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 9 ભાજપ પાસે અને એક સપા પાસે છે. 2022ની વિધાનસભા ચૂંટણીના કારણે ચિત્ર બદલાયું છે, જેના આધારે ભાજપને બે બેઠકોનું નુકસાન થઈ શકે છે અને સપાને રાજકીય લાભ મળી શકે છે. સમાજવાદી પોતાના દમ પર બે બેઠકો જીતી લેશે, પરંતુ આરએલડીના સમર્થનથી તેના નામે ત્રણ બેઠકો થઈ શકે છે. તેલંગણામાં ત્રણ રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે અને આ ત્રણેય બેઠકો પર કેસીઆરનો કબજો છે, પરંતુ સ્થિતિ બદલાઈ ગઈ હોવાથી તેલંગણામાં કોંગ્રેસને બે બેઠકો અને કેસીઆરને એક જ બેઠક મળી શકે છે. આંધ્રપ્રદેશની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં ત્રણેય બેઠકો વાઈઆરએસ કોંગ્રેસ જીતી શકે છે, જ્યારે ત્રણ બેઠકો પર પીડીપીનો કબજો હતો.

રાજ્યસભામાં જે સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, પ્રકાશ જાવડેકર, અનિલ બલૂની, અનિલ અગ્રવાલ, અશોક વાજપેયીનો અનિલ જૈન, કાંતા કર્દમ, સકલદીપ રાજભર, જીવીએલ નરસિમ્હા રાવ, વિજયપાલ તોમર, સુધાંશુ ત્રિવેદી અને હરનાથ સિંહ યાદવનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, અખિલેશ પ્રતાપ સિંહ, નાસિર હુસૈન, કુમાર કેતકર, શિવસેનાના અનિલ દેસાઈ, એનસીપીના વંદના ચવ્હાણ, આરજેડીના મનોજ કુમાર ઝા, અશફાક કરીમ, જેડીયુના અનિલ પ્રસાદ હેગડે અને વશિષ્ઠ નારાયણ સિંહ, સપાના જયા બચ્ચનનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ કયા નેતાઓને ફરીથી રાજ્યસભામાં મોકલે છે તે જોવું રહ્યું.