રિપોર્ટ@દેશ: મહિલા કર્મી સાથે કોંગ્રેસ નેતાની શરમજનક હરકત, શું હતો સમગ્ર મામલો?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ભુજ શહેર ખાતેના ઉમેદ ભવનમાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. અનુસૂચિત જાતિના ખેડૂતોને સરકારી જમીનના હક્ક મળવા અંગેની રજૂઆત અંતર્ગત તેઓ મીડિયા સાથે સંવાદ કરવા હાજર રહ્યા હતા. દરમિયાન વિપક્ષી ધારાસભ્યના કાર્યક્રમમાં ફરજના ભાગરૂપે હાજર આઈબીના મહિલા કર્મી કોંગ્રેસ અગ્રણીના અકલ્પનિય ચેષ્ટાનો ભોગ બન્યા હતા. મહિલા કર્મી સામે બેઠેલા ધારાસભ્ય મેવાણીનો ફોટો પાડવા ખુરશી પરથી ઉભા થયા હતા અને પરત ખુરશી પર બેસે તે પહેલાં પાછળથી એચ એસ આહીર નામના કોંગી નેતાએ ખુરશી ખેંચી લીધી હતી. જેથી મહિલા જમીન પર પડી ગયા હતા. તેમજ તમે આ ખુરશીના લાયક નથી તેમ પણ કહ્યું હોવાના આક્ષેપ કરાયા છે. કોંગી અગ્રણીની આવી હરકતથી ડઘાઈ ગયેલા કર્મી ખૂબ રોષે ભરાયા હતા. દરમિયાન મામલાની નોંધ રાજ્યના ગૃહમંત્રીએ પણ લીધી હતી અને બનાવનો વીડિયો એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસને દલિત વિરોધી ગણાવી હતી. તો આ બાબતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયામાં કહ્યું કે, આ ગાંધીનગરના ઈશારે FIR થઈ છે.
આ ઘટના ક્રમ વિશે વાત કરીએ તો ભુજના ઉમેદ ભવન ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પત્રકાર પરિષદની શરૂઆત કરે તે પહેલા જ પત્રકારોની હાજરીમાં સરકારી ફરજ પર આવેલા મહિલા કર્મી સાથે અણછાજતી અને નારી સન્માનને ઠેસ પહોંચાડતી ઘટના બની હતી. જેમાં ફિલ્મ હિરોઈન એવા સાંસદ બનેલા કંગના રનૌત સામે અભદ્ર ટિપ્પણી મામલે વિવાદમાં આવેલા ભચાઉ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહીર દ્વારા આઈબીમાં ફરજ બજાવતા મહિલા કર્મી ઉભા થયા બાદ પરત ખુરશી પર બેસવા જતા હતા ત્યારે પાછળ તરફ ખુરશી સરકાવી લેતા મહિલા કર્મી જમીન ઉપર પડી ગયા હતા. બનાવના પગલે ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જોકે, નારાજ મહિલા કર્મી બાદમાં પોતાનો રોષ વ્યકત કરી કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા.
ગૃહમંત્રીએ એક્સ પર વીડિયો પોસ્ટ કરતા કેપશનમાં લખ્યું કે, કોંગ્રેસની માનસિકતા મહિલા અને દલિત વિરોધી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન તેમના જીગર મિત્ર કચ્છ કોંગ્રેસના નેતાએ કેવી રીતે ઇરાદાપૂર્વક અનુસૂચિત મહિલાને ઘાયલ કર્યા.
આ અંગે ભુજ ડીવાયએસપી ઝણકારે કહ્યું હતું કે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આજે ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જે આઈબીના મહિલા પોલીસ કર્મચારી ફરજના ભાગરૂપે હાજર હતા તે દરમિયાન ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના કન્વીનર અને એડવોકેટ હરેશ શિવજી આહિર મહિલા કર્મીને ઓળખતા હોવા છતાં તેમની ખુરશી ખેંચી લઈ આ ખુરશીમાં તમે બેસવાને હક્કદાર નથી, તેમ જણાવી જાતિ અપમાનિત કર્યા હતા. આ બનાવથી મહિલા પોલીસ કર્મી આઘાતમાં છે, ડિપ્રેશનમાં છે. તેઓની હોસ્પિટલમાં અમે મુલાકાત લઈ ફરિયાદ પણ નોંધી છે. ભારત ન્યાય સંહિતાના નવા કાયદા હેઠળ હરેશ આહીર સામે એટ્રોસિટી એક્ટ અને ફરજમાં રુકાવટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવાઈ છે. આ એક નારીનું અપમાન છે. એક જ્ઞાતિનું અને એક પોલીસ કર્મચારીનું અપમાન છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા જાહેર કરતા કહ્યું હતું કે, આજે ભુજ ખાતે દલિત ખેડૂતોની સરકારી જમીનના હક્ક મળવા અંગે યોજેલી પત્રકાર પરિષદ દરમિયાન અમારા કોંગ્રેસના કાર્યકર વિરુદ્ધ જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાઈ છે તે માત્ર ઉપજાવી કાઢેલી છે. મારી પ્રેસ કોન્ફરન્સમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ મોકલ્યું હતું ? આમંત્રણ માત્ર મીડિયાને હતું.
હર્ષ સંઘવીના ટ્વિટને લઈને પણ મેવાણીએ રોષ વ્યક્ત કર્યો
રહી વાત મહિલા કર્મીની તો તેમની સાથે જે ઘટના બની તેનાથી હું દિલગીરી વ્યક્ત કરવાનો હતો, પરંતુ હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે તેમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દૂરઉપયોગ કરી, પોતે દલિત સમાજના છે તે વાતનો લાભ ઉઠાવીને દલિત કાયદાનો ગેરલાભ લીધો છે. આ ખોટી બનાવટી ફરિયાદ કરેલી છે. આજે પણ હું દલિતોના જમીની હક્કની કલેક્ટર કચેરીએ રજૂઆત માટે આવ્યો છું. પણ ખોટી વાતમાં હું કોમ્પોમાઈસ કરતો નથી. આવુ કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે જઈને ફરિયાદ કરાવું છું. આ ગાંધીનગરના ઈશારે થયેલી FIR છે. ફરિયાદી પોતે કરેલી FIR હું આને માનતો નથી. બીજી તરફ આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કર્યું હતું તેને લઈને પણ જીગ્નેશ મેવાણીએ રોષ વ્યક્ત કર્યો હતો.
અલબત્ત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની હાજરીમાં જ કોંગ્રેસના વિવાદિત અગ્રણી દ્વારા નારી સન્માન હનનની ઘટના બનતા સમગ્ર કચ્છ ગુજરાતમાં ચકચાર પ્રસરી છે. આ મામલે મહિલા પોલીસ કર્મીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ મળ્યો હતો.