ઘટના@કચ્છ: પરિણીત યુવક સાથે યુવતીની લટકતી લાશ મળી, કેમ આવું પગલું ભર્યું ?

એક ઝાડ ઉપર મૃત અવસ્થામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

 
ઘટના@કચ્છ: પરિણીત યુવક સાથે યુવતીની લટકતી લાશ મળી, કેમ આવું પગલું ભર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મોતની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્રણ દિવસ પૂર્વે 4 સપ્ટેમ્બરે રાપરના ફતેહગઢ ગામ નજીક રહેતા એક પરિવારની યુવતીનું તેના જ ગામના પરિણીત યુવકે અપહરણ કર્યું હતું, ત્યારે વચ્ચે છોડાવવા પડેલી યુવતીની માતાને છરીના ઘા ઝીંકી તે યુવકે મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે રાપર પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન પરિણીત યુવક અને લાપતા યુવતી આજે સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

4 સપ્ટેમ્બરના રાપરના સુજાવાંઢ ફતેહગઢ ગામે રહેતા અને વાડીમાં ખેતીકામ કરતા 22 વર્ષીય વેરશીભાઈ બાબુભાઈ કોલી (પારકરા) એ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી કે, તેમના પરિવારમાં દસ ભાઈ અને બહેનો સાથે રહીએ છીએ. જેમાં આઠમાં ક્રમની બહેન શિલ્પા અને માતા જમણીબેન બુધવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ઘંટીએથી દરણું દળાવીને પરત ઘરે જતાં હતા, ત્યારે તેમના જ ગામનો રવિ હીરાભાઈ કોલી (પારકરા) નામના શખસે તેમનો પીછો કર્યો હતો. માતા-બહેનને જાલિયાસર તળાવ પાસે આંતરી માતા જમણીબેનના પેટમાં છરીના ઘા મારી તેમની હત્યા કરી બહેન શિલ્પાનું અપહરણ કરી રવિ​​​​​​ નાસી ગયો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રવિ આશરે બે મહિના પહેલાં પણ બહેન શિલ્પાનું અપહરણ કરી ભાગી ગયો હતો, પરતું પરિવારજનોએ બંનેને મૌવાણા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. તે વખતે પણ રવિએ ધમકી આપી હતી કે, શિલ્પાને ગમે તે રીતે ભગાડી જઈશ. પરંતુ તે એકજ (નુખ) સમાજનો હોવાથી સમાજના લોકોએ સમાધાન કરાવ્યું હતું. રાપર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે લાપતા યુવતી અને તેનું અપહરણ કરનાર આરોપી બન્ને ફતેહગઢની સીમમાં એક ઝાડ ઉપર મૃત અવસ્થામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કોહવાયેલા મૃતદેહોને પ્રાથમિક તપાસ બાદ ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલવાનું નક્કી કર્યું છે.

બનાવ અંગે ભચાઉ DYSP સાગર સાબડાનો સંપર્ક કરતા તેમણે બનાવને સમર્થન આપતા કહ્યું હતું કે, બનાવ આત્મહત્યાનો હોવાનું જણાય આવ્યું છે, ઘટના અંગે વધુ તપાસ રાપર પીઆઇ કરી રહ્યા છે.

ફતેહગઢના દુર્ગમ સીમ વિસ્તારમાં તપાસમાં વ્યસ્ત રાપર પીઆઇ જેબી બુબડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પૂર્વે નજીકના ફતેહગઢ વાડી માર્ગે અપહરણ અને હત્યાના બનાવમાં લાપતા યુવતી તથા આ કેસના આરોપી બન્ને જણના મૃતદેહ ઝાડની ઉપર એક જ કપડાં વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. બન્ને સજોડે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાઇ આવે છે. હાલ મૃતદેહો અને સ્થળ તપાસ બાદ તેમના મૃતદેહને ઝાડ પરથી ઉતારી વધુ તપાસ માટે જામનગર મોકલવામાં આવશે.