બેદરકારી@અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડના બ્લોક-Cની ફાયર NOC 3 મહિનાથી એક્સપાયર, તંત્ર ઘોર નિદ્રામાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલના બ્લોક-Cની ફાયર NOCની મુદત 25 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં તેનું રિન્યુઅલ કરવામાં આવ્યું નથી. નિયમિત અવરજવર રહેતા આ મહત્વપૂર્ણ બસ ટર્મિનલ પર ફાયર NOC એક્સપાયર થયા બાદ પણ સમયસર પ્રક્રિયા પૂર્ણ ન થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.સ્થળ પર જૂની ફાયર NOC દર્શાવતા બોર્ડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે મુસાફરો અને મુલાકાતીઓમાં ભ્રમ અને ચિંતા ફેલાઈ શકે છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુઅલ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. ફાયર સુરક્ષાની વ્યવસ્થા અને પ્રમાણપત્રોની અપડેટ પ્રક્રિયામાં વિલંબ થતા તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. ગીતામંદિર બસ ટર્મિનલ પર દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોવાથી ફાયર સેફ્ટીમાં ચૂક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. બ્લોક-Cની ફાયર NOC ત્રણ મહિનાથી એક્સપાયર હોવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ન લેવાતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલ સર્જાયા છે.

