બેદરકારી@અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં રેડ કરતા મેસમાંથી સડેલા ટામેટા, ડુંગળી, એક્સપાયર્ડ ચીજવસ્તુઓ મળી

 
કાર્યવાહી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠમાં એબીવીપીએ રેડ કરતા હોસ્ટેલની મેસમાંથી સડેલા ટામેટા, ડુંગળી તેમજ એક્સપાયર્ડ થયેલ ચીજ વસ્તુઓ મળી આવી હતી.ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં સામે આવેલી બેદરકારીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યની સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં આવેલી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનને લઈને સવાલો ઉઠાવ્યા છે અને આવી યુનિવર્સિટીની હોસ્ટેલો, સરકારી હોસ્ટેલોમાં સ્ટુડન્ટ રેડ અભિયાન શરૂ કર્યું છે. જેમાં અલગ અલગ હોસ્ટેલમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખીને મેસમાં રેડ કરે છે.

જે અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠમાં એબીવીપી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં ચેકિંગ દરમિયાન સડેલા ટામેટા, સડેલી ડુંગળી તેમજ ક્યાંક જીવાત તો ક્યાંક લોટના પેકેટ એક્સપાયરી ડેટ વાળા હોવાનું જણાઈ આવ્યું હતું.ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં જ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળતું નહીં હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ જે છાશવારે જે તે ફરસાણ અને ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરતું હોય છે અને તેઓની સામે કાર્યવાહી કરતું હોય છે ત્યારે આ પ્રકારે હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા કેમ તંત્ર દ્વારા ચકાસવામાં આવતી નથી તેવા સવાલો ઉઠ્યા છે. એટલું જ નહીં આવી હોસ્ટેલો કે યુનિવર્સિટીઓ કે વિદ્યાપીઠ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા પણ સવાલો ઉઠ્યા છે.ઉલ્લેખનીય છે કે હાલમાં જ આનંદની કેતન સ્કૂલની કેન્ટીન ભોજન મામલે વિવાદમાં આવ્યા બાદ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હવે ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસ વિવાદમાં આવી છે. ત્યારે ફરીવાર ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે.

વિદ્યાપીઠ અને તંત્ર મેસમાં ચાલતી બેદરકારી સામે સ્વ બચાવમાં હવાતિયા મારતા હોય તેવું જોવા મળ્યું છે. વિદ્યાપીઠે મેસમાં મળેલા સડેલા ટામેટા, ડુંગળી મામલે ફૂડ વિભાગને આગળ ધર્યું છે. બીજી તરફ એએમસી ફૂડ વિભાગે મેસની હકીકતને બદલે વિદ્યાર્થીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. સડેલા ટામેટા, ડુંગળી તેમજ એક્સપાયર્ડ ચીજ વસ્તુઓ મળી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી વિદ્યાપીઠ સામે કરવામાં આવી નથી ઉલટાનું ફૂડ વિભાગે જણાવ્યું કે વિદ્યાર્થીઓ જ મેસ માટે ખાદ્યચીજોની ખરીદી કરે છે તેનો હિસાબ વિદ્યાર્થીઓ રાખે છે અને ટેન્ડર પદ્ધતિથી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે માત્ર ભોજન બનાવીને આપે છે.