બેદરકારી@ઇડર: કોલેજની પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાબરકાંઠાના ઈડરમાં આવેલી PTC કોલેજની પાણીની ટાંકીમાંથી મૃત શ્વાન મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ટાંકીના પાણીનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવ્યા બાદ 30થી વધુ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં શરૂ કર્યા છે.અત્યાર સુધીમાં કુલ 70 પૈકી 35 વિદ્યાર્થિનીઓને વેક્સિન આપવામાં આવી છે.કોલેજ અને હોસ્ટેલનીપાણીની ટાંકીમાં મૃત શ્વાન મળી આવ્યું હતું. આ ટાંકીના પાણીનો છેલ્લા ઘણા દિવસોથી ઉપયોગ થઈ રહ્યો હોવાનુ સામે આવ્યું છે.
પીવાના પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળી આવતાં કોલેજ અને હોસ્ટેલના સંચાલન સામે સવાલો ઊભા થયા છે. પાણીની સ્વચ્છતા અને નિયમિત ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.દૂષિત પાણી પીધાની આશંકા વચ્ચે 30થી વધુ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે હડકવા સહિતના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે. કોલેજના કુલ 70 વિદ્યાર્થીઓ પૈકી અત્યાર સુધીમાં 35ને વેક્સિન આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં ઈડરના પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળી આવવાની ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે.આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં પીવાના પાણીની સ્વચ્છતાતથા નિયમિત ચકાસણીની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

