બેદરકારી@સુરત: રસીકરણ બાદ ભૂલથી ડાયાબીટીસની ગોળી આપી દેતા 5 બાળકો ICUમાં દાખલ

 
રસીકરણ
મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન પાંચ બાળકોને પેરાસિટામોલ ગોળીના બદલે ભૂલથી ડાયાબિટીસની અત્યંત ભારે ગણાતી દવા આપી દેવામાં આવી હતી. દવાની ગંભીર આડઅસર થતાં તમામ પાંચ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોના ICU વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અંતર્ગત આવતા સબ સેન્ટર પલસાણા 1 ખાતે રસીકરણ સેશન યોજાયું હતું. જ્યાં કુલ 7 બાળકોને રસી આપવામાં આવી હતી.

સામાન્ય રીતે રસીકરણ બાદ તાવ કે દર્દ ન થાય તે માટે બાળકોને પેરાસિટામોલ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં ફરજ પરના કર્મચારીએ મોટી ભૂલ કરીને પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' દવા આપી દીધી હતી.આ ભારે દવા પેટમાં જતાં જ બાળકોની તબિયત લથડવા લાગી હતી. સ્થિતિ બગડતાં જ વાલીઓએ પોતાના બાળકોને હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર અને વરિષ્ઠ અધિકારીઓએ તાબડતોબ હોસ્પિટલ પહોંચી સારવારની સમીક્ષા કરી હતી. હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું અને તબીબોની સતત દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના સામે આવતાં જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસ બાદ ગંભીર બેદરકારી દાખવનાર મહિલા હેલ્થ વર્કરને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.