સાવચેતીઃ દીવમાં પેરાસેલિંગ કરતા પેરાશૂટનું દોરડું તૂટ્યું, દંપતી 50 ફૂટથી વધુની ઊંચાઇએથી દરિયામાં પડ્યુ

આ પતિ પત્ની અચાનક જ 50 ફૂટથી વધુની ઊંચાઇએ પહોંચ્યા હતા અને અચાનક જ બોટ સાથે બાંધેલું પેરાશૂટનું દોરડું તૂટી ગયું હતુ.
 
file photo
  સ્પોર્ટસનાં સંચાલકોની આ લાપરવાહી સામે દંપતીએ આક્રોશ ઠાલવ્યો હતો. દંપતીનો આક્ષેપ છે કે, આ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાનાં બદલે ધમકાવ્યા હતા.

અટલ સમાચાર, ડેસ્ક

સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર રવિવારે પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં પડ્યુ હતુ. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આ અકસ્માત બાદ દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


રવિવારે બપોરે નાગવા બીચ પર પેરાસેલિંગ સમયે બોટ સાથે બાંધેલું પેરાશૂટનું દોરડું તૂટતા વોટર રાઇડ્સનો રોમાંચ માણતા પતિ પત્ની 50 ફૂટથી વધુની ઊંચાઇએથી દરિયામાં ખાબક્યા હતા. પર્યટનધામ દીવનાં નાગવા બીચ પર વોટર સ્પોર્ટસ એક્ટિવીટી કરાવવામાં આવે છે. જેમાં દીવ ફરવા આવેલા માંગરોળ તાલુકાનાં રહેવાસી અજીતભાઇ કાથડ અને તેમના પત્ની સરલાબેન નાગવા બીચ સ્થિત પાલ્મ એડવેન્ચર એન્ડ વોટર સ્પોર્ટસમાં બપોરે 2 વાગ્યાનાં અરસામાં પેરાસેલિંગ કરવા પહોંચ્યા હતા. પતિ પત્નીએ પેરાશૂટની મદદથી હવામાં ઉડવા લાગ્યા હતા.

આ પતિ પત્ની અચાનક જ 50 ફૂટથી વધુની ઊંચાઇએ પહોંચ્યા હતા અને અચાનક જ બોટ સાથે બાંધેલું પેરાશૂટનું દોરડું તૂટી ગયું હતુ. પરિણામે પેરાશૂટ સાથે ઉડતા પતિ પત્નીને ધડામ દઇને નીચે આવતા જોઇને દરિયાકાંઠે પેરાસેલિંગનો નજારો જોતા પર્યટકોમાં પણ બુમાબુમ મચી ગઇ હતી. જોકે, પતિ પત્ની દરિયાનાં પાણીમાં જ પડ્યા હતા અને તેઓએ લાઇફ જેકેટ પહેર્યા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જેમને લાઇફ ગાર્ડની ટીમ દ્વારા સલામત રીતે દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા.


દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ સમયે સર્જાયેલા અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોટર સ્પોર્ટસનાં સંચાલકોની આ લાપરવાહી સામે દંપતીએ આક્રોશ ઠાલવ્યો હતો. દંપતીનો આક્ષેપ છે કે, આ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાનાં બદલે ધમકાવ્યા હતા. જેના કારણે હાલ દીવના વોટર સ્પોર્ટસમાં પ્રવાસીઓની સલામતી અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.