દેશઃ કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પાર થતાં, ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો
દેશઃ કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પાર થતાં, ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારતે આજે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કરી દીધો છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી ખાસ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સાથે આ દિવસને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે. ભારતે કોરોના વાયરસ રસીના 100 કરોડ ડોઝ ઇન્જેક્ટ કર્યા છે. આ પ્રસંગે પીએમ મોદી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદી અહીં આરોગ્ય કર્મચારીઓને મળીને શુભેચ્છાઓ આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

100 કરોડ રસીકરણનો આંકડો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ કે, ભારતને અભિનંદન. સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું આ પરિણામ છે. કેન્દ્ર સરકાર આ પ્રસંગે ઉજવણીની તૈયારી કરી રહી છે. દેશનો સૌથી મોટો ખાદી તિરંગો 100 કરોડ રસી ડોઝ પૂર્ણ થયા બાદ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવશે. આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન આશરે 1,400 કિલો છે. અધિકારીએ કહ્યું હતુ કે, 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

કોવિન પોર્ટલના ડેટા અનુસાર, દેશમાં બુધવાર સુધી આપવામાં આવેલી કુલ રસીનો ડોઝ 997 મિલિયનને વટાવી ગયો હતો, જેમાં તમામ પુખ્ત વયના લોકોમાંથી 75 ટકાને પ્રથમ ડોઝ અને લગભગ 31 ટકાને બંને ડોઝ મળ્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ આરએસ શર્માએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે પ્રતિ સેકન્ડ 700 રસીકરણ કરી રહ્યા છીએ. ‘100 કરોડ’મું લાભાર્થી કોણ હશે તે શોધવું થોડું મુશ્કેલ હશે. અત્યાર સુધી, ચીન એકમાત્ર એવો દેશ હતો જ્યાં 100 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યાં જૂનમાં 1 અબજ ડોઝનો આંકડો પાર થયો. ચીન પણ એક અબજથી વધુની વસ્તી ધરાવતો દેશ છે.