વલસાડ: ભર બજારમાં નશામાં ધૂત કારચાલકે આતંક મચાવ્યો, પાંચ લોકોને ઈજા
file photo
બેફામ કાર ચલાવી  અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ચારથી પાંચ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


 

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ શહેરમાં ભર બજારમાં નશામાં ધૂત એક કારચાલકે આતંક મચાવ્યો હતો. બેફામ કાર ચલાવી  અને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ચારથી પાંચ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે લોકોને અને વાહનોને અડફેટે લીધા બાદ પણ પીધડ કાર ચાલકે બજારમાં લોકો સાથે પણ દાદાગીરી કરતા એકઠા થયેલા ટોળાએ દારૂડિયાને બરોબારનો  મેથીપાક ચખાડ્યો હતો.


વલસાડ શહેરના જાહેર માર્ગ અને બહાર એવા શહીદ ચોક વિસ્તારમાં સમી સાંજે નશામાં ધૂત એક કારચાલકે આતંક મચાવ્યો હતો.  નશામાં બેફામ  થયેલા આ કાર ચાલકે બેદરકારીભરી રીતે પુરપાટ ઝડપે જાહેર માર્ગ પર કાર દોડાવતા કારની અડફેટે એક રીક્ષા અને મોપેડ સહિત ત્રણથી ચાર નાના મોટા વાહનો આવ્યા હતા. આથી વાહનમાં સવાર પાંચેક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. આથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


સુત્રોએ જણાવ્યું હતુ કે, દારૂનાં નશામાં ધૂત થઈ  કાર હંકારી કાર ચાલકે આતંક મચાવ્યો હોવાથી બજારમાં પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પણ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. લોકોનું ટોળું એકઠું  થઇ ગયા બાદ પણ નશામાં ધૂત કારચાલકે લોકો સામે દાદાગીરી કરતા રોષે ભરાયેલા ટોળાએ નશામાં ધૂત કારચાલકને બરાબરનો માર માર્યો હતો. ટોળાનાં મારથી બચાવવા કારચાલકનાં પત્ની અને તેના પુત્રે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ  તેમ છતાં ટોળાએ નશામાં ધૂત કારચાલકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.  માર  માર્યા બાદ લોકોએ કારચાલકને પોલીસ હવાલે કર્યો હતો. વલસાડ શહેર પોલીસે લોકોના માર થી  ઇજાગ્રસ્ત થયેલા  કારચાલક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી