ગંભીર@લીમખેડા: અહીં મનરેગામાં મટીરીયલ ખર્ચ બે-લગામ, દિલ્હીથી ટીમ લાવવા કોણે લીધો મોટો નિર્ણય

રેન્ડમલી ચેકિંગ કરવાની સત્તા દાહોદથી માંડીને દીલ્હી સુધીના અધિકારીઓને હોવાથી પ્રયત્ન શરૂ કર્યો 
 
ફાઇલ ફોટો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

લીમખેડા તાલુકામાં મનરેગાની કામગીરી અત્યંત શંકાસ્પદ અને બેલગામ મટીરીયલ બીલો છતાં મૌની બાબા શ્રાવણનાં વ્રતે છે. આથી જોબકાર્ડ ધારકોના હક્કો, મનરેગા એક્ટની જોગવાઈઓ અને ગંભીર રીતે શંકાસ્પદ મટીરીયલ ખર્ચ સહિતની બાબતે તપાસ કરાવવા મોટો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકોની એક ટીમે સમગ્ર મામલે સીધા દિલ્હી સ્થિત મંત્રાલય સમક્ષ રુબરુ રજૂઆત કરવા દોડધામ કરી છે. લડત લડતી આ ટીમને વિશ્વાસ છે કે, જો દિલ્હીથી કોઈ તપાસ ટીમ આવે અને રેન્ડમલી પણ ચેકિંગ કરે તો પણ મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. આવી સ્થિતિમાં બે વસ્તુ સમજવી પડશે કે, કોણ અહીં મનરેગામાં બેલગામ બીલો મૂકાવી રહ્યું છે અને બીજું કે કોણે અને કેવી રીતે લીમખેડામાં મનરેગા ભ્રષ્ટાચાર વિરુદ્ધ દીલ્હી કૂચનો નિર્ણય કર્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મનરેગાની કામગીરીના અનેકવિધ રીપોર્ટ અને તપાસની ધોરણસરની રજૂઆતો છતાં વ્હાઇટ કોલર બાબા મૌન છે. મટીરીયલ ખર્ચમાં બેલગામ બની બેઠેલા અને એક્ટની જોગવાઈઓનુ સરેઆમ ઉલ્લંઘન કરતાં કેમ કોઈ રોકતું નથી. લેબર ખર્ચ 15 કરોડ હોય તો 7 કરોડ પણ મટીરીયલ બીલો મૂકાતાં નથી પરંતુ લીમખેડા તાલુકામાં આ નિયમો જાણે રમત બની ગયા છે. એક આખી ટોળકી વ્હાઇટ કોલર સાહેબોની રહેમ દ્રષ્ટિથી બેફામ મટીરીયલ ખર્ચના શંકાસ્પદ બીલો મૂકી વર્ષમાં અનેકવાર કરોડોની ગ્રાન્ટો ખેંચી રહ્યા છે. આ બાબતના અનેક અહેવાલ છતાં ના તો લીમખેડા તાલુકા પંચાયત કે દાહોદ જિલ્લા પંચાયત તપાસ ઉતારતાં નથી. આ તરફ જાગૃત નાગરિકોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચે કે કેમ તે પણ સવાલ બનતો હોઈ લડત લડતી ટીમે દીલ્હી કૂચ કરવા નિર્ણય લીધો છે. લીમખેડા તાલુકાના કેટલાક ગામો અને આજુબાજુના તાલુકાના ગામોના યુવકોએ મનરેગાની કેન્દ્રિય કચેરી દીલ્હી ખાતે રજૂઆત કરવા દોડધામ કરી છે. વાંચો નીચેના ફકરામાં કેવી રીતે આવી શકે દિલ્હીથી ટીમ

સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગાના કામોની રેન્ડમલી તપાસ કરવાની લીમખેડા તાલુકાથી માંડી દીલ્હી સુધીની કચેરીના અધિકારીઓને સત્તા છે. આટલુ જ નહી, મનરેગાને સંલગ્ન કચેરીઓને પણ અવારનવાર કેટલાક કામોની ઓચિંતી મુલાકાત લેવાની સત્તા મનરેગા એક્ટ હેઠળ છે. આથી રજૂઆતના ગૃપે મનરેગા એક્ટની જોગવાઈ અને સરકારના હિતનો આધાર લઈને દીલ્હી સ્થિત મંત્રાલયના અધિકારીઓને કમસેકમ રેન્ડમલી અમુક કામો તપાસવા અથવા તો રૂટિન તપાસમાં લીમખેડા તાલુકાને સામેલ કરાવવા કહેશે તેમ જણાવ્યું હતુ. મનરેગા એક્ટની જોગવાઈ મુજબ, લોકપાલ, ખુદ ગાંધીનગર સ્થિત કમિશ્નર, સોશ્યલ ઓડીટ ટીમ અને કેન્દ્રિય મનરેગા સચિવ પણ વગર રજૂઆતે તપાસ કરી શકે છે. બસ આ સત્તાનો ઉપયોગ કરાવવા અને રૂટિન તપાસની ફરજિયાત જોગવાઈઓ ધ્યાને મૂકી લીમખેડા તાલુકામાં તપાસ કરાવવા પ્રયાસ કરાશે તેવું સામે આવ્યું છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ દીલ્હી કૂચનો મેગા પ્લાન.