નવા વર્ષની તૈયારીઃ 31 ડિસેમ્બર પહેલા ફટાફટ પૂરા કરો આ 5 કામ, નહી તો બાદમાં આર્થિક નુકસાન થશે

જો આ કામ સમયસર પૂર્ણ ન થાય તો જે તે વ્યક્તિને આર્થિક નુકસાન થવાની ભીતિ રહેલી છે. અમુક કિસ્સામાં દંડ પણ લાગી શકે છે. તો જાણીએ એવા કામ વિશે જેમને 31મી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા જરૂરી છે.
 
file fhoto

અટલ  સમાચાર, ડેસ્ક

વર્ષ પૂર્ણ થવાને હવે થોડાક જ દિવસ બાકી બચ્યા છે. બાકી બચેલા દિવસોમાં લોકોએ અમુક જરૂરી કામ પૂર્ણ કરવા અનિવાર્ય છે. ઈપીએફ એકાઉન્ટમાં ઈ-નોમિનીથી લઈને ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. જો આ કામ સમયસર પૂર્ણ ન થાય તો જે તે વ્યક્તિને આર્થિક નુકસાન થવાની ભીતિ રહેલી છે. અમુક કિસ્સામાં દંડ પણ લાગી શકે છે. તો જાણીએ એવા કામ વિશે જેમને 31મી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા જરૂરી છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ: સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી છે. કોરોના વાયરસ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના પોર્ટલ પર આવેલી સમસ્યાને પગલે મોદી સરકાર દ્વારા આ ડેડલાઈન વધારવામાં આવી છે. હવે કરદાતાઓએ 31મી ડિસેમ્બર, 2021 સુધી રિટર્ન ફાઇલ કરી દેવું પડશે. જો આવું નહીં કરવામાં આવે તો નિયમ પ્રમાણે પેનલ્ટી લાગી શકે છે.

જીવન પ્રમાણ પત્ર:  જો તમને પેન્શન મળી રહ્યું છે અથવા તમે તે કક્ષામાં આવો છો તો તમારે 31મી ડિસેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. જો 31મી ડિસેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવામાં નહીં આવે તો તમને મળતું પેન્શન બંધ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પેન્શન ધારકોએ વર્ષમાં એક વખત 30મી નવેમ્બર પહેલા પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. આ વખતે ડેડલાઈન 31મી ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. લાઇફ સર્ટિફિકેટ જમા કર્યાં બાદ એ વાતની ખરાઈ થાય છે કે વ્યક્તિ જીવિત છે, જેથી તેનું પેન્શન ચાલુ રાખવામાં આવે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું કેવાયસી: સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ડીમેટ અને ટ્રેડિંગ ખાતાના કેવાયસી માટે ડેડલાઈન 30મી સપ્ટેમ્બર, 2021થી વધારીને 31મી ડિસેમ્બર, 2021 કરી દીધી છે. ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં KYC અંતર્ગત નામ, સરનામું, PAN કાર્ડ નંબર, માન્ય મોબાઇલ નંબર, વર્ષ અને ઇમેઇલ સહિતની વિગતો અપડેટ કરવાની હોય છે.

UAN-આધાર લિંક: ખાતા ધારકોએ પોતાના UAN નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. UANને આધાર નંબર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર, 2021 છે. EPFO રોકાણકારો માટે આધાર લિંકની કાર્યવાહી ફરજિયાત છે. આવું ન કરવાના કેસમાં ભવિષ્યમાં PF ખાતું બંધ પણ થઈ શકે છે.


ઓછા વ્યાજે મળશે લોન: જો તમે બેંક ઑફ બરોડાના ગ્રાહકો છો તો તમે 31મી ડિસેમ્બર સુધી સસ્તી હોમ લોનનો ફાયદો ઉઠાવી શકો છો. બેંક ઑફ બરોડાએ તહેવારો દરમિયાન હોમ લોનનો વ્યાજદર ઘટાડીને 6.50 ટકા કરી દીધો હતો, જેની મર્યાદા 31ની ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે.