ગુજરાતઃ ધોરણ 1 થી 5 ના ઓફલાઇન વર્ગો 1 ડિસેમ્બરથી શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા
student
કોરોનામાં બે વર્ષ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યુ છે. તેનું સ્થાન ઓનલાઇન એજ્યુકેશને લીધું છે. પણ આ ઓનલાઇન એજ્યુકેશન અવળી અસર બાળકોના માનસ પર પડી છે.


અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઈન બંધ હોવાના પગલે ધોરણ 1 થી 5 ના બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. જેના પગલે હવે આગામી 1 ડિસેમ્બરથી આ વર્ગો ઓફ લાઇન શરૂ કરી દેવાની વિચારણા ગંભીરતાથી હાથ ધરવામાં આવી છે. જોકે પહેલી ડિસેમ્બરથી આ ઓનલાઇન વર્ગ શરૂ થશે તો પણ તેના શૈક્ષણિક સત્રના દિવસોમાં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારાધીન હોવાનું ગાંધીનગર સ્થિત સૂત્રોએ જણાવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવાના ભાગરૂપે તમામ શિક્ષણ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. મહિનાઓ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યા બાદ ક્રમશઃ ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણના ઓફલાઇન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગો હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી. હવે દીવાળીના તહેવારો પછી પણ કોરોનાના કેસોની સંખ્યા નિયંત્રિત રહેતા અને ત્રીજી લહેરની ભીતિ નિરર્થક સાબિત થતા ધોરણ 1 થી 5 ના વર્ગો પણ ઓફ લાઇન શરૂ કરી દેવાનું વિચારાઇ રહ્યું છે. પહેલી ડિસેમ્બરથી આ વર્ગો શરૂ થઈ જશે. જોકે ધોરણ 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડી નાખવામાં આવશે અને સપ્તાહનું શૈક્ષણિક સત્ર પણ છની જગ્યાએ ચાર દિવસનું કરવામાં આવે એવી સંભાવના છે. ધોરણ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.


કોરોના હાલ ભલે ગુજરાતમાંથી અલવિદા કરી ચૂક્યો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. કોરોનામાં બે વર્ષ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યુ છે. તેનું સ્થાન ઓનલાઇન એજ્યુકેશને લીધું છે. પણ આ ઓનલાઇન એજ્યુકેશન અવળી અસર બાળકોના માનસ પર પડી છે. ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોની યાદ શક્તિ પર અસર થતા 40 ટકા વાલીઓ સાઈકિયાટ્રીકની મદદ લઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આમ તો ઓનલાઇન એજ્યુકેશન બાળકોને કોઈ ફાયદાકારક અસર ભાગ્યે જ થઈ છે. પણ તેની અવળી અસર જરૂરથી થઈ છે.

જાણીતા મનોચિકિત્સક ડો. સ્વેતા પરીખના મતે ઓનલાઇન એજ્યુકેશનની અસર બાળકોની લેન્ગવેજ સ્કિલ, એટેનશન સ્કિલ, યાદશક્તિ ડેવલપ થવાની સ્કિલ પર બહુ અસર થઈ છે. જેનું મુખ્ય કારણ જ્યારથી તેઓ સ્ક્રીન સામે બેસવા માંડ્યા ત્યારથી તેઓનું ભણવામાં ધ્યાન ઓછું થઈ ગયું છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ હોય તે સમયે જ બાળકો ગેમ રમતા હોય છે કે યૂ ટ્યુબ વીડિયો જોતા હોય છે. ક્લાસમાં બેસીને જે ડિસિપ્લીન આવે છે તે ઓનલાઇનમાં જતું રહ્યું છે.