મહોત્સવ@વડનગર: સ્વર્ગસ્થ તાનારીરી બહેનોની યાદમાં સૌથી મોટું આયોજન, શરણાઇનો નાદ ગુંજ્યો

અટલ સમાચાર, વડનગર(કિરણબેન ઠાકોર)
મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવમાં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો.તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 5 મિનિટ સુધી 112 ભૂંગળ વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ યોજાયો હતો. પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે 13મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. તાના-રીરી મહોત્સવ 2021 માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. વડનગરના તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ બળદેવ નાયક અને ગૌરવ પુરસ્કૃત મુગટરામના નેતૃત્વમાં યોજાયો હતો, જેના સાથે સહસંયોજક તરીકે ડાહ્યા નાયકે કામગીરી કરી હતી.
તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊંચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમા મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલા વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. આજના વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ પાવન સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત ભરત વ્યાસે કર્યું હતું.