ચિંતાઃ એર ઈન્ડિયાની ઇટલી-અમૃતસર ફ્લાઇટમાં 125 પેસેન્જર્સ કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ

તમામ યાત્રીઓનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 125 યાત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ફરી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોવિડના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ઓમિક્રોન પણ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વચ્ચે એર ઈન્ડિયાની ઇટલી-અમૃતસર ફ્લાઇટમાં આશરે 125 પેસેન્જર્સ કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ તમામ યાત્રી અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. તેની જાણકારી એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે આપી છે. 

ગુરૂવારે ગુરૂ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટે લેન્ડિંગ કર્યું. તેમાંથી ઇટલીથી આવેલા 180 યાત્રી સવાર હતા. તમામ યાત્રીઓનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 125 યાત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં યાત્રીકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો. તમામ યાત્રીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. તેના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 


અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જાણકારી પ્રમાણે આ યાત્રીકો પંજાબના જ છે. યાત્રીકોએ એરપોર્ટ પર હંગામો કર્યો હતો. તેનો આરોપ છે કે ઇરાદાપૂર્વક તેને પોઝિટિવ ગણાવવામાં આવી રહ્યાં છે. યાત્રીકોએ કહ્યું કે, તેમણે ઇટલીમાં કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે અને 72 કલાક પહેલાનો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા છે. ભારતમાં ગુરૂવારે ઓમિક્રોનના એક દિવસમાં સર્વાધિક 495 કેસ સામે આવ્યા, જેનાથી આ સ્વરૂપના સંક્રમિતોની સંખ્યા વધીને 2630 થઈ ગઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 797 સામે આવ્યા છે, ત્યારબાદ દિલ્હીમાં 465, રાજસ્થાનમાં 236, કેરલમાં 234, કર્ણાટકમાં 226, ગુજરાતમાં 204 અને તમિલનાડુમાં 121 કેસ સામે આવ્યા છે. 
 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 90,928 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3,51,09,286 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 325 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,82,876 થઈ ગયો છે. હાલ દેશમાં 2,85,401 દર્દીઓ સારવાર હેઠળ છે. 
 
ઓમિક્રોનના વધતા કેસે પણ દેશની ચિંતા વધારી છે. ખુબ ચેપી ગણાતા ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ વધીને 2,630 થયા છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. કોરોનાનો આ વેરિએન્ટ હવે 26 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 797 કેસ, દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનું જોખમ જોતા કેન્દ્ર સરકારે પણ રાજ્યોને તાકીદે પગલાં લેવા જણાવ્યું છે. વિભિન્ન રાજ્ય સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે નાઈટ કરફ્યૂ, વીકેન્ડ કરફ્યૂ જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છે.