રાજકોટ@અકસ્માતઃ સામ સામે બે બાઈક અથડાતા, ત્રણ યુવાનોના ઘટનાસ્થળ પર મોત
file photo
ભોગ બનનાર હર્ષિત અને રણઠોડ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા. જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટના લોધિકામાં ગત મોડી રાત્રે બે બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા રાજકોટ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્રણ યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

રાજકોટના મુંજકા ગામનો રહેવાસી હર્ષિત રામાણી બાઈક પર કાલાવડ જઈ રહ્યો હતો. તે જ સમયે જામનગરના રહેવાસી રણછોડ વાઘેલા અને તેના મામાનો દીકરો કરસન સોલંકી સામેથી બાઈક લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન બંનેના બાઈક દેવડા ગામના પાટિયા પાસે સામસામે અથડયા હતા. બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતા.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર હર્ષિત અને રણઠોડ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા. જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેમજ રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.