ખુલાસો: મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર

આ કેસમાં બહાર આવી રહેલા ખાલિદ નામના વ્યક્તિનો સંપર્ક સીધો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે.
 
file photo
માળીયા મિયાણા પાસેથી પોલીસ 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત ATS દ્વારા મોરબી જિલ્લામાં ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળીયા મિયાણા પાસેથી પોલીસ 120 કિલો ડ્રગ્સ કબજે કર્યું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બખ્શ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાનમાંથી જ આ ડ્રગ ભારતમાં લાવવામાં આવ્યાની ખબર છે. ડ્રગ્સના આ મોટા જથ્થા સાથે પોલીસે ચાર લોકોની પણ ધરપકડ કરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


નોંધનીય છે કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને નશાનો જથ્થો ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસ અને એટીએસએ તપાસનો ધમધમાટ વધાર્યો હતો. જેમાં આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના શખ્સોની સંડોવણી ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક તત્વોના નામ પણ બહાર આવ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને માહિતી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે તપાસ કર્યા બાદ ત્યાં દરોડા પાડવામાં આવતા 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ કેસમાં બહાર આવી રહેલા ખાલિદ નામના વ્યક્તિનો સંપર્ક સીધો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે. ભારતમાં મોકલવામાં આવેલા ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટની સ્ક્રિપ્ટ દુબઈમાં લખવામાં આવી હોવાના અહેવાલ છે. પાકિસ્તાન માફિયા ખાલિદ દુબઈમાં સોમાલિયા કેન્ટીનમાં બે ભારતીય દાણચોરો જબ્બાર અને ગુલામને મળ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ પહેલા પણ પાકિસ્તાની ડ્રગ માફિયા ખાલિદે ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ભારત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ અઠવાડિયે જ ગુજરાતમાં પોલીસે દેવભૂમિ દ્વારકા અને સુરતમાં ડ્રગ હેરોઈન સહિત અનેક માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. આ દરમિયાન ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.