ખુશખબરઃ 28થી 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી
ખુશખબરઃ 28થી 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી

અટલ સમાચાર, ડેસ્ક

કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા જવા ઇચ્છુક સહેલાણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સોમવારે એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર, 28થી 31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય વિઝિટર્સ માટે બંધ રહેશે.

અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આ નિર્ણય સરદાર વલ્લભભાઇ પટેલની 147મી જન્મજયંતિ પર 31 ઓક્ટોબરે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો. આ જાણકારી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સત્તાવાર વેસાઇટ પર પણ અપલોડ કરવામાં આવી હતી. પરંતુ હવે લોકોને અપીલને ધ્યાનમાં રાખીને અંતે આ નિર્ણય બદલવામાં આવ્યો છે. જે બાદ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 28થી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું રાખવામાં આવશે.

આ પહેલા SOUADTGA (Statue of Unity Area Development and Tourism Governance Authority) એ જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની 146મી જયંતિ પર 31 ઓક્ટોબરે કેવડિયા આવશે અને SOUએ પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યાર બાદ તેઓ એકતા પરેડમાં ભાગ લેશે. આ દિવસે તેઓ જનતાને સંબોધિત કરશે તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે. જોકે હજુ સુધી કોઇ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ પીએમ મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ કર્યુ હતું. ત્યારથી તેઓ દર વર્ષે સરદાર પટેલની જયંતિ ઉજવવા માટે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે કેવડિયાની મુલાકાત અવશ્ય લે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ત્યાં અનેક પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે. જેના કારણે દેશ અને વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવડિયાની મુલાકાતે આવે છે. અહીં વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસીઝ, જંગલ સફારી, એકતા મોલ જેવા અનેક ફરવા લાયક સ્થળો છે. જે પર્યટકો માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

ગુજરાતમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.