દુર્ઘટનાઃ ભોપાલમાં કમલા નેહરુ હોસ્પિટલમાં આગ લાગવાથી 4 બાળકોના મોતથી અરેરાટી

હાજર દર્દીઓને પણ અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલની બિલ્ડીંગને ઝડપથી ખાલી કરાવવામાં
 
bhopal

અટલ સમાચાર, ડેસ્ક

 
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં સોમવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ હોસ્પિટલ પરિસરમાં જ બાળકો માટે બનાવવામાં આવેલ કમલા નેહરુ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી. અહીં મોટી સંખ્યામાં બાળકો દાખલ હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આગને કારણે ચાર બાળકોના મોત થયા છે. જો કે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં માસૂમો દાઝી ગયા છે. ત્રીજા માળના જે વોર્ડમાં આગ લાગી ત્યાં નવજાત શિશુઓ સાથે ઘણા ડોક્ટરો પણ ફસાયેલા છે. તેમને બહાર કાઢવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તો અન્ય માળ પણ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો અને પોલીસ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોની સાથે વહીવટીતંત્ર અને હોસ્પિટલનો સ્ટાફ પણ આગ ઓલવવામાં વ્યસ્ત છે. આગની માહિતી મળતાં જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.


આગ હોસ્પિટલની બિલ્ડીંગના ત્રીજા માળે રાત્રે લગભગ 9 વાગે શરૂ થઈ હતી, જેમાં બાળકોના આઈસીયુ છે.ઓછામાં ઓછા 40 બાળકોને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 36ને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ચાર બાળકોને બચાવી શકાયા નથી. આગ લાગવાના ચોક્કસ કારણનો હાલ ખુલાસો થયો નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્રીજા માળે લાગેલી આગને કારણે હોસ્પિટલના અન્ય માળ પર ધુમાડાના ગોટેગોટા થઈ ગયા છે, જેના કારણે ત્યાં હાજર દર્દીઓને પણ અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલની બિલ્ડીંગને ઝડપથી ખાલી કરાવવામાં આવી રહી છે.


હોસ્પિટલમાં આગ લાગવાની માહિતી મળતાં જ દાખલ કરાયેલા બાળકોના સ્વજનો પણ પરેશાન છે. તેમનું કહેવું છે કે તેઓ 3-4 કલાકથી હોસ્પિટલની બહાર ઉભા છે પરંતુ તેમને કોઈ જવાબ નથી મળી રહ્યો. આગ લાગ્યા બાદ તેમના બાળકોની શું હાલત છે અને તેમને ક્યાં ખસેડવામાં આવ્યા છે તે અંગે કોઈ તેમને સ્પષ્ટ જવાબ આપી રહ્યું નથી.