જૂનાગઢ: એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ટિકિટના દરમાં થયો ઘટાડો
રોપવે

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢમાં ગિરનાર  પર્વત પર અંબાજી  સુધી હાલ રોપવે સેવા ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યો છે. નવા ફેરફાર 18મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપવેની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો 12 ટકાન ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી.

રોપવેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર 18ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે. નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપવેની ટિકિટ 700 રૂપિયા હતી, હવે તેનો ચાર્જ ઘટાડીને 623 કરવામાં આવ્યો છે. જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપવેનો ચાર્જ 590 રૂપિયા હતો, હવે તેનો ચાર્જ ઘટાડીને 523 રૂપિયા થયો છે.

ઉલ્લેખનીય છે કે રોપવેની શરૂઆત વખતે 25 ઓક્ટોબર, 2020થી 14 નવેમ્બર, 2020 સુધી ડિસ્કાઉન્ટ ભાવે મુસાફરી ઑફર કરવામાં આવી હતી. જે બાદમાં ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદમાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. આ મામલે અનેક રજુઆત બાદ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

સામાન્ય ટિકિટ : 700 રૂપિયા+18% GST (126)= 826 રૂપિયા (બંને સાઈડ)

બાળકોની ટિકિટ: 350 રૂપિયા+18% GST (63)= 413 રૂપિયા (બંને સાઈડ)

કન્સેશન ટિકિટ: 400 રૂપિયા+18% GST (72)= 472 રૂપિયા

ઓનલાઇન બુકિંગ
ગિરનાર પ્રવાસે આવતા પ્રવાસીઓ ઘરે બેઠા રોપ-વેની ટિકિટ બુક કરાવી શકે છે. આ માટે રોપ-વે ચલાવતી કંપની ઉષા બ્રેકોએ ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. જેથી પ્રવાસી ઘરે બેઠા પોતાના ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકે છે. કંપની તરફથી જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકિટ www.udankhatola.com વેબસાઈટ પરથી બુક કરાવી શકે છે.

ગિરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઊભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગિરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે, તે ટાવર આ યોજનાનો સૌથી ઊંચો ટાવર છે, જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે. જે રોપવેથી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકે છે.

ગિરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યૂપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.