દુર્ઘટનાઃ માતાએ પહેલા અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવીને બાદમાં પોતે પણ આપઘાત કર્યો
મંડી

અટલ સમાચાર, ડેસ્ક

હિમચાલ પ્રદેશના મંડીથી આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 22 વર્ષીય માતાએ પહેલા પોતાની અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવીને મોતને ઘાટ  ઉતારી દીધી અને પછી પોતે ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું.

આ ચકચારી ઘટના મંડી જિલ્લાના સુંદરનગર સબ-ડિવિઝન હેઠળ આવતા છાત્ર ગામની છે. મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ વિનય કુમારની 22 વર્ષીય પત્ની ડિમ્પલ કુમારી અને અઢી વર્ષની પુત્રી પ્રિયાંશી તરીકે થઈ છે. મળતી માહિતી પ્રમાણે, મહિલા પોતાની દીકરી સાથે ઘરે હાજર હતી. જે સમયે મહિલાએ આવું પગલું ભર્યું તે સમયે ઘરમાં એક વૃદ્ધ મહિલા સિવાય કોઇ નહોતું. વૃદ્ધ મહિલાને આ વાતની જાણ પણ ન હતી. જ્યારે મૃતકની સાસુ ઘરે પહોંચ્યા ત્યારે તેણે પુત્રવધૂ અને પૌત્રીને ફાંસી પર લટકતી જોઈ હતી. તેણે બૂમો પાડીને લોકોને તેની જાણ કરી હતી. સ્થાનિક પંચાયત પ્રધાને આની જાણ પોલીસને કરી હતી.

માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી મામલાની તપાસ શરૂ કરી હતી. ડીએસપી સુંદરનગર દિનેશ કુમારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા.


ડીએસપી સુંદરનગર દિનેશ કુમારે આ કેસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. પિયર અને સાસરી પક્ષના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.