ગંભીર@પાટણ: જમીનની માપણી માટે DLRમાં કરી અરજી, ખેડૂતનો તોડ કરતો કર્મચારી ઝડપાયો
ગંભીર@પાટણ: જમીનની માપણી માટે DLRમાં કરી અરજી, ખેડૂતનો તોડ કરતો કર્મચારી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચારનો કીડો ચોંકાવનારી હદે આગળ વધી રહ્યો છે. ખરા પરસેવાની મહેનત કરી પેટીયું રળતા ખેડૂતનો તોડ કરવા જતાં થયેલી એસીબીમાં ઘટસ્ફોટ થયો છે. જમીનની માપણી કરાવવા ખેડૂતે જમીન દફતરની કચેરીમાં અરજી કરી હતી. જોકે માપણી માટે ફરજ યુક્ત કર્મચારીએ તોડ કરવા આયોજન કર્યું હતું. 10 હજાર આપો તો બધું ગોઠવી આપું કહીને લાંચ લેવા જતો સર્વેયર ઝડપાઇ ગયો છે. ફરિયાદીની રજૂઆત આધારે બનાસકાંઠા એસીબી ટીમે પાટણ શહેરના બસસ્ટેન્ડ નજીકથી લાંચિયા કર્મચારીને ઝડપી પાડ્યો છે.

પાટણ ખાતે જિલ્લા જમીન દફતર મોજણી કચેરી આવેલી છે. જિલ્લાના એક ખેડૂતે પોતાની સંયુક્ત માલિકીની જમીનમાં સોલાર પ્લાન્ટ માટે દોડધામ હાથ ધરી હતી. સોલાર માટે જમીન ભાડે આપવાની હોવાથી સદર જમીનની માપણી જરૂરી બની હતી. આથી આથી જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા જમીન દફતર મોજણીમાં ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીની તપાસ અર્થે કચેરીના સિનિયર સર્વેયર ધ્રુવ પરસોત્તમદાસ પટેલે સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરાવવા રૂા.10,000ની લાંચ માંગી હતી. આ રકમ ખેડૂત અરજદાર કમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી. આથી બનાસકાંઠા એસીબીએ ગોઠવેલ લાંચનુ છટકું ગોઠવતાં સર્વેયર રૂ.10,000ની લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક તરફ જમીન દફતર કચેરીમાં રિ-સર્વેની અરજીઓનો ઢગલો છે તો બીજી તરફ અરજીનો ઝડપી નિકાલ કરવાને બદલે લાંચિયા કર્મચારી પણ ઝડપાઇ રહ્યા છે. ખેડૂતો પાસે લાંચ મેળવીને આ સર્વેયર કોને આપવાનો હતો? શું તેના અધિકારીને આ લાંચ અંગે જાણ હતી? શું અગાઉ પણ આ કર્મચારીએ લાંચ લીધી હતી? આ લાંચ બાબતે શું એકમાત્ર આ કર્મચારીની જ સંડોવણી છે કે કેમ? આ તમામ સવાલો પાટણ જિલ્લા જમીન દફતર મોજણી કચેરીના પારદર્શક વહીવટ વિરુદ્ધ ઉભા થયા છે. એસીબીની રેડને પગલે જિલ્લા મહેસૂલ આલમમાં દોડધામ મચી ગઇ છે.