ચિંતા@પાંથાવાડા: સહકારી માર્કેટયાર્ડને તૂટતું બચાવો, ખાનગી યાર્ડ સામે બજાર સમિતિની હાલત જાણો

 
Panthavada APMC

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે તેના મુશ્કેલ દૌરમાંથી પસાર થઈ રહી છે ? આ સવાલ અત્યારે સમગ્ર પાંથાવાડા પંથકના સહકારી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભયંકર ભ્રષ્ટાચાર, ભરતીના નિયમોની ઐસીતૈસી, કાચા સેસમાં મોટાપાયે ગેરરીતિ સહિતના કારણે ગંજબજારની હાલત ચિંતાજનક બની છે. મહેનતું ખેડૂતો અને વેપારીઓની વર્ષોની મહેનતથી ભરચક રહેતુ પાંથાવાડા માર્કેટયાર્ડ આજે ખાનગી માર્કેટયાર્ડ સામે મુશ્કેલીમાં ઝઝૂમી રહ્યું છે. એવું તે કયું ખાનગી કૃષિબજાર છે કે પાંથાવાડા સહકારી માર્કેટયાર્ડને હંફાવી રહ્યું છે તે પણ જાણીએ. જોકે તેના પહેલાં એ પણ જાણીએ કે, શું ઈરાદાપૂર્વક પાંથાવાડા બજાર સમિતિના માર્કેટને તોડવામાં આવી રહ્યું છે? જાણો સ્પેશિયલ રિપોર્ટમાં.....

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ગંજબજારની અગાઉની પરિસ્થિતિ અને આજની હાલત વચ્ચે તુલના કરવાનો સમય પાકી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહેનતું ખેડૂતો અને પ્રામાણિક વેપારીઓ માર્કેટયાર્ડમાં અનેક બાબતોની મુશ્કેલીથી ભયંકર હદે પરેશાન બન્યા છે. અનેક પ્રકારની અગવડો, જરૂરી સુવિધાઓનો અભાવ, ચોખ્ખા વહીવટનો અભાવ સહિતના કારણે ગંજબજારની હાલત દિવસેને દિવસે ચિંતાજનક બનતી જાય છે. વર્ષો જૂનુ માર્કેટયાર્ડ વધુને વધુ મજબૂત થવાને બદલે અંદરના જ માણસોની ષડયંત્રભરી હરિફાઈ સામે ઝઝુમી રહ્યું છે. હવે કોણ કરી રહ્યું છે ષડયંત્ર અને કેમ બજાર સમિતિનુ માર્કેટયાર્ડ હાંફી રહ્યું તે પણ જાણીએ. પાંથાવાડા ગંજબજારથી થોડે દૂર ખાનગી કૃષિ બજાર ઉભું થયું છે અને ત્યાં આધુનિક સુવિધાઓ ઉભી કરી યેનકેન પ્રકારે દુકાનો શરૂ કરવામાં આવી છે. હવે આ ખાનગી કૃષિ બજારને ધમધમતું થવું હોય તો હરિફ બજારને હંફાવવુ પડે. આ રણનીતિના ભાગરૂપે પ્રારંભિક તબક્કે પાંથાવાડા ગંજબજારમાં જરૂરી વ્યવસ્થાનો અભાવ સર્જવામાં આવ્યો છે.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક બાબતોનો અભાવ રાખી કે રખાવી ખાનગી કૃષિ બજારને આગળ લાવવાની રણનીતિ ઉપર કામ ચાલી રહ્યું છે. આ બાબતનો ખ્યાલ ખેડૂતો, વેપારીઓ, કેટલાક મતદારો, કેટલાક કર્મચારીઓ અને સહકારી ક્ષેત્રના જાગૃત નાગરિકોને આવતાં ચોંકી ગયા છે. જોકે સમયની બલિહારીની જેમ અવાજ ઉઠાવતાં હોય કે અવાજ ઉઠાવી શકે તેવાને કોઈને કોઈ રીતે દબાવી દેતાં પાંથાવાડા ગંજબજારને તૂટતાં બચાવનારા શોધ્યા જડતાં નથી. માત્ર અંદરોઅંદર ચિંતા કરી ચર્ચા કરવામાં આવે છે કે, ફલાણું થઈ રહ્યું અને ઢિકણું થઈ રહ્યું છે. જોકે હિસાબો માંગવા, પારદર્શક વહીવટ માટે અવાજ ઉઠાવવો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવી અને ખાસ તો કાચા સેસ મામલે પણ બોલવાં તૈયાર નથી.

જો આજે પાંથાવાડા ગંજબજારને તૂટતાં નહિ બચાવો તો સમય માફ નહિ કરે

પાંથાવાડા ગંજબજાર એ ખેડૂતો, વેપારીઓ, સહકારી મંડળીઓ, કર્મચારીઓ અને તમામ મતદારોની મહેનતનું ફળ છે. આ તમામ લોકોની મહેનતથી વટવૃક્ષ બનેલા પાંથાવાડા ગંજબજારની આર્થિક રીતે કમર તૂટવાની શરૂઆત ઘણાં સમયથી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારના નિયંત્રણ વાળા આ પાંથાવાડા ગંજબજારને કારણે મતદારોને મતાધિકારનો હક્ક છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવાનો હક્ક છે, આટલું જ નહિ ખેડૂતો વેપારીઓ માટે અનેકવિધ યોજનાઓ પણ છે. જો પાંથાવાડા ગંજબજારને મજબૂત નહિ રાખો તો આવા કોઈ હક્કો અને સરકારી યોજનાઓ ખાનગી કૃષિ બજારમાં મળી શકે નહિ. આથી ઈરાદાપૂર્વક પાંથાવાડા ગંજબજારને તોડી ખાનગી કૃષિ બજારની મોડસ ઓપરેન્ડી પાર પાડનારાઓને ખુલ્લા પાડવાનો અવસર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.