રિપોર્ટ@હારિજ: આ તો કેવી તપાસ?રસ્તાના કૌભાંડમાં માત્ર સરપંચ દોષિત, તલાટી, ઈજનેર સામે વસૂલાત કેમ નહિ?
રિપોર્ટ@હારિજ: આ તો કેવી તપાસ?રસ્તાના કૌભાંડમાં માત્ર સરપંચ દોષિત, તલાટી, ઈજનેર સામે વસૂલાત કેમ નહિ?

અટલ સમાચાર ડોટ કોમ, હારિજ

હારિજ તાલુકાના ગામે ત્રણેક વર્ષ અગાઉ બનેલા રોડમાં ગેરરીતિની તપાસ પૂર્ણ થઈ હતી. જેમાં તપાસ આધારે તત્કાલીન ડીડીઓ પારેખે ચોંકાવનારો હુકમ કર્યો હતો. રોડ ખાનગી જમીનમાં બનાવ્યો હોઇ સરપંચને દોષિત ગણી વસૂલાત કાઢવામાં આવી છે. જોકે રોડ માટે ખર્ચ કરી આખો રોડ બનાવવાની સમગ્ર સરકારી પ્રક્રિયામાં તલાટી સહિતના કર્મચારીઓની ભૂમિકા નિર્દોષ જેવી બની છે. જેના લીધે વહીવટી અને ટેકનિકલ બાબતે થયેલી બેદરકારીની રીતે કે ઈરાદાપૂર્વક એકમાત્ર સરપંચ કેવીરીતે જવાબદાર બને તે સૌથી મોટો સવાલ છે. જેના કારણે તપાસ રિપોર્ટ અને હુકમ ઉપર ગંભીર સવાલો ઉભા થયા હોઇ પારદર્શકતા ઉપર શંકાઓ બની છે.

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના સોઢવ ગામે વર્ષ 2017 દરમ્યાન સરકારી રોડ બનાવવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધમાં અરજી થતાં તપાસ થઈ હતી. હાલના સરપંચ, તત્કાલીન તલાટી ઈલાબેન પંડ્યા તેમજ તત્કાલીન ધર્મેશભાઈને પૂછવામાં આવ્યું હતું. જેમાં તપાસ અધિકારીઓએ ખાનગી જગ્યામાં રોડ બનાવવા મામલે એકમાત્ર સરપંચને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે તલાટી અને ઇજનેરને વિગતો પૂછી તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. તપાસના અંતે સ્થળ તપાસ અને વહીવટી કાગળો તેમજ નિવેદનો સહિતની બાબતે તપાસ કર્યા બાદ ચોંકાવનારો હુકમ થયો હતો. તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી પારેખે સરપંચને દોષિત ગણી વસૂલાતનો હુકમ કર્યો હતો. જ્યારે તત્કાલીન તલાટી ઈલા પંડ્યા અને તત્કાલીન ઈજનેર સામે કોઈ વસૂલાત ના હોવાનું તપાસ રિપોર્ટ આધારે સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરપંચ અને તલાટી ગ્રામ પંચાયત સાથે સીધા સંકળાયેલા છે. આથી રોડનું ચૂકવણું કરવામાં આવ્યું ત્યાં સુધી અને ચૂકવણું કરવામાં આવ્યું ત્યારે પણ કેમ આ ગંભીર વહીવટી બેદરકારી કે ઈરાદાપૂર્વકની ગેરરીતિ સામે ના આવી? તો શું આ તપાસ રિપોર્ટ અને ડીડીઓના હુકમમા એકપક્ષી કાર્યવાહી નથી લાગતી ? કેમ કોઈ કર્મચારીઓની ભૂમિકા બેદરકારી કે ઇરાદાપૂર્વકની જણાઈ નથી? આ તમામ સવાલો સોઢવ ગામે બનેલ રોડના કૌભાંડમાં થયેલ તપાસ અને હુકમ વિરુદ્ધ અનેક શંકાસ્પદ સવાલો ઉભા કરે છે.