ચોંક્યાં@મહેસાણા: ગાંઠીયાની લાલચે બાળકી સાથે શારીરિક અડપલાં, સગીરા સાથે છેડતી, 2 વિરૂધ્ધ FIR
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોરોના કહેર વચ્ચે મહેસાણા જીલ્લામાં સગીરા સાથે છેડતી અને શારીરિક અડપલાંની બે અલગ-અલગ ઘટના સામે આવી છે. વિજાપુરમાં સ્થાનિક ઇસમે બાળકીને આઇસ્ક્રીમ તેમજ ગાંઠીયાની લાલચ આપી ઓરડીમાં લઇ જઇ શારીરિક અડપલાં કર્યા હતા. આ તરફ ખેરાલુમાં પણ સ્થાનિક ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ અલગ-અલગ સ્થળે લઇ જઇ શારીરિક અડપલાં અને ચુંબન કર્યુ હતુ. સમગ્ર મામલે બંને ઘટનામાં બે ઇસમો વિરૂધ્ધ સ્થાનિક પોલીસ મથકોમાં ફરીયાદ નોંધાઇ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વિજાપુરમાં 7 વર્ષની બાળકીને ગાંઠીયા અને આઇસ્ક્રીમની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલાં કરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્થાનિક બાળકીને વિજાપુર બંસરી હોટલની સામેના છાપરામાં રહેતો રમેશ ઉર્ફે ભોજ્યો વાઘરી(કાઠીયાવાડી) ગાંઠીયા અને આઇસ્ક્રીમની લાલચ આપીને રેલ્વે ફાટક પાસેથી અવાવરૂ ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂધ્ધ ઇસમે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદમાં ડરી ગયેલી બાળકીએ પરિવારને વાત કરતાં ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વિજાપુર પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ-363, 366, 376 એબી, તથા પોક્સો એક્ટની કલમ 4, 5(M), 6, 8, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ મહેસાણા જીલ્લાના વિસનગર શહેરમાં પણ સગીરા સાથે છેડતીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામનો ઠાકોર અશોકજી જહુજી શહેરની 16 વર્ષિય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે બાદમાં છત્રાલ તેમજ પાલનપુર મુકામે લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શારીરિક અડપલાં કરી ચુંબન કરી છેડતી કરી હતી. સમગ્ર મામલે સગીરાના પિતાએ ઇસમ વિરૂધ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વિસનગર શહેર પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 363, 366, 354(ક) તથા પોક્સો એકટની કલમ 8,12 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.