આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા, ગિરીશ જોષી 

પાટણ જીલ્લાની ચાણસ્મા મામલતદાર કચેરીમાં વહીવટ અને નાગરિકલક્ષી સેવાઓ રામભરોસે ચાલતી હોવાનું સામે આવ્યુ છે. અગમ્ય કારણોસર મામલતદાર રજા ઉપર ઉતરી ગયા છે. જયારે છેલ્લા કેટલાક દિવસોથી કાગળ ઉપર કોઇને હવાલો આપવામાં આવ્યો નથી. મહેસુલ નાયબ મામલતદારે કહયુ કે, મને લેખિતમાં ચાર્જ અપાયો નથી જયારે અધિક કલેક્ટરે ચાર્જ આપ્યો હોવાનુ જણાવતા વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.

ચાણસ્મા તાલુકાના મામલતદાર એમ. કે. લિંડીયા છેલ્લા ત્રણ-ચાર દિવસથી રજા ઉપર ઉતરી ગયા છે. આથી સ્વાભાવિક છે કે, કોઇ નાયબ મામલતદારને ચાર્જ આપવામાં આવે. જોકે, હાલની સ્થિતિએ કાગળ ઉપર કોઇ મામલતદાર જ ન હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર બાબતે નાયબ મામલતદાર(મહેસુલ)ને પુછતાં જણાવ્યુ હતુ કે, મને મૌખિક સુચના છે કે, દાખલા આપવા સહિતની કામગીરી કરવી. જોકે, લેખિતમાં ચાર્જનો ઓર્ડર હજુ સુધી આવ્યો નથી.

આ તરફ પાટણ વહીવટીતંત્રના નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યુ હતુ કે, મહેસુલ શાખાના નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે. લેખિતમાં ઓર્ડર બાબતે ખાસ કોઇ સ્પષ્ટીકરણ આપી શકયા ન હોવાથી ચાણસ્મા મામલતદાર કચેરીમાં જમીન કેસો સહિતના કામે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મામલતદાર એમ.કે. લિંડીયા ફરજ બાબતે કોઇ ગંભીર બાબતનો સામનો કરતા હોવાની સંભાવના જોતા અચાનક રજા ઉપર ઉતરી ગયા હોઇ શકે. આગામી 30 જૂને નિવૃત્ત થતા હોવાથી સંભવત: વિવાદોથી બચવા અનિશ્ચિત મુદ્દતની રજા ઉપર ગયા હોવાની આશંકા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code